મુંબઈઃ મુકેશ અંબાણીએ પુત્રી ઈશા અંબાણીને વિદાય આપ્યા પછી હવે પુત્ર આકાશ અંબાણીના લગ્ન છે. આકાશ અને શ્લોકા નવમી માર્ચે સાત ફેરા ફરીને લગ્નના બંધનમાં જોડાશે. મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાનારા આ લગ્ન સમારંભ ત્રણ દિવસ ચાલશે. આકાશની જાન બપોરે ૩.૩૦ વાગ્યે જિયો સેન્ટર જશે. દસમી માર્ચે લગ્નની ઉજવણી થશે, જ્યારે ૧૧મી માર્ચે રિસેપ્શન યોજાશે. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ પરંપરા પ્રમાણે સોમવારે લગ્નની પહેલી કંકોતરી સિદ્ધિ વિનાયક મંદિરે આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ૨૩થી ૨૫મી ફેબ્રુઆરી વચ્ચે આકાશ અંબાણી સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્સમાં બેચલર્સ પાર્ટી આપશે. આ પાર્ટીમાં આકાશ અંબાણીના મિત્રો રણબીર કપૂર અને કરણ જોહર સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપે એવી શક્યતા છે.
મેગા ઇવેન્ટ
• નવમી માર્ચે બપોરે ૩.૩૦ વાગ્યે મુંબઈની ટ્રાઇડેન્ટમાં જાન આવશે. જાનૈયા ત્યાંથી બાંદરા કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર જશે. સાંજે સાડા છ વાગ્યે ત્યાં મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા. ૭ વાગ્યે લગ્ન.
• દસમી માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ જિયો સેન્ટરમાં સેલિબ્રેશન યોજાશે, જેનું આયોજન અંબાણી, મહેતા પરિવાર સંયુક્ત રીતે કરશે.
• ૧૧મી માર્ચે બન્ને પરિવાર જિયો સેન્ટરમાં રિસેપ્શન યોજશે. આ પાર્ટીમાં પણ દેશ-વિદેશની હસ્તીઓ હાજરી આપશે.


