આખરે તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલે મહિલા પત્રકારની માફી માગી

Thursday 19th April 2018 08:26 EDT
 
 

ચેન્નઇ: એક મીડિયા કોન્ફરન્સમાં ૧૭મી એપ્રિલે સાંજે તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક મહિલા પત્રકારના ગાલ થપથપાવતાં વિવાદ જન્મ્યો હતો. આ અંગે છેવટે રાજ્યપાલે મહિલા પત્રકારની માફી માગી છે તેથી મામલો થાળે પડ્યો છે. આ ઘટના બાદ રાજ્યના પત્રકારોએ આ મામલે માફી માગવાની માગ કરતાં વિવાદ વધુ ઘેરાયો હતો. અહીં નોંધનીય છે કે, વિરૂધુનગર જિલ્લામાં અરૂપુકોટ્ટાઇમાં દેવાંગા આર્ટ્સ કોલેજના સહાયક અધ્યાપિકા નિર્મલાદેવીની એવી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી કે જેમાં નિર્મલાદેવી સ્પષ્ટ કહેતા સંભળાયાં કે ૮૫ ટકા ગુણ મેળવવા અને પૈસા કમાવા વિદ્યાર્થિનીઓ અધિકારીઓને મળે. મહિલા પ્રોફેસરની કથિત સેક્સ રેકેટની ઓડિયો મામલે થયેલી ધરપકડ બાદની એક પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકાર દ્વારા સવાલ પુછાતાં રાજ્યપાલે જવાબમાં મહિલા પત્રકારના ગાલ થપથપાવતાં વિવાદ થયો હતો. એ પછી રાજ્યપાલે મહિલા પત્રકારને પૌત્રી ગણાવી તેના ગાલ થપથપાવ્યા હતા તેવા ખુલાસા સાથે ખેદ વ્યક્ત કરી માફી માગી હતી.

પત્રકારો દ્વારા હોબાળો

રાજ્યના પત્રકારો દ્વારા આ મામલે એક પત્ર લખી રાજ્યપાલને આ વર્તન બદલ માફી માગવાની માગ કરી હતી. જેને પગલે રાજ્યપાલે મહિલા પત્રકારને સંબોધીને લખ્યું છે કે, મને આપનો ઇ-મેઇલ મળ્યો, જ્યારે ત્યાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થવા આવી હતી ત્યાં તમે એક સવાલ પુછ્યો હતો. મને તમારો સવાલ સારો લાગ્યો એટલે તમારો ઉત્સાહ વધારવા માટે પોતાની પૌત્રી સમજીને તમારા ગાલને થપથપાવ્યો હતો. તમારા પત્રકારિતા કર્મને સરાહના માટે આવું સ્નેહવશ કર્યું હતું કારણ કે હું પણ આ વ્યવસાય સાથે ૪૦ વર્ષ સુધી જોડાયેલો રહ્યો છું. તમારા ઇ-મેઇલથી મને લાગ્યું કે તમને આપત્તિ થઇ છે હું તમારી ભાવનાને સમજી શકું છું અને એ માટે આ ઘટના અંગે ખેદ પ્રગટ કરતાં માફી માગુ છું.

મહિલા પત્રકારની ટ્વિટ

મહિલા પત્રકારે આ મામલે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, જ્યારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની પ્રેસ કોન્ફરન્સ પૂરી થવાની હતી ત્યારે મેં એમને એક સવાલ પૂછ્યો તો તેઓ જવાબમાં મારી સંમતિ વગર મારા ગાલ થપથપાવવા લાગ્યા. આ મામલે રાજ્યના પત્રકાર મંડળે રાજ્યપાલને એક પત્ર લખી વિના શરતે માફી માગવા કહ્યું હતું.

આ અશોભનીય કૃત્યઃ ડીએમકે

તમિલનાડુમાં વિપક્ષ ડીએમકેએ આ ઘટનાને બંધારણના ઉચ્ચા હોદ્દા પરની એક વ્યક્તિ દ્વારા કરાયેલા આ કૃત્યને અશોભનીય ગણાવ્યું હતું. ડીએમકેના રાજ્યસભાના સભ્ય કનિમોઇએ ટ્વિટ કર્યું કે, જો શંકા ન કરીએ તો પણ જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ પોતાના હોદ્દાની ગરીમાની મર્યાદા સમજવી જોઇએ અને મહિલા પત્રકારને સ્પર્શ ન કરવો જોઇએ. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ સ્ટાલિને પોતાની ટ્વિટર હેન્ડલથી કહ્યું કે, આ માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પરંતુ એક બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું અધમ કૃત્ય કહી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter