આખરે માયાવતીનું રાજીનામું સ્વીકારાયું

Friday 21st July 2017 07:59 EDT
 
 

નવી દિલ્હીઃ રાજ્યસભાના સભ્યપદેથી આખરે બીજી વાર બસપા નેતા માયાવતીનું રાજીનામું સ્વીકારાયું છે. અગાઉ તેમણે રાજ્યસભાના નિયમો મુજબ રાજીનામું આપ્યું નહોતું તેથી તેનો અસ્વીકાર કરાયો હતો. રાજીનામાનો તે પત્ર ૩ પાનાનો હતો અને તેમાં અન્ય રાજીનામાં સાથે અન્ય આક્ષેપો કરાયા હતા. વાસ્તવમાં રાજ્યસભામાંથી રાજીનામું આપવું હોય તો તે હાથેથી લખેલું હોવું જોઈએ અને તેમનાં રાજીનામાનાં ઉલ્લેખ સિવાય અન્ય કોઈ વિગતો કે માહિતીનું વિવરણ કરેલું ન હોવું જોઈએ. આમ માયાવતીએ બીજી વખત હાથેથી લખેલું અને અન્ય કોઈ વિગતો દર્શાવ્યા વિનાનું રાજીનામું આપતાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ તેનો સ્વીકાર કર્યો હતો.

આ અગાઉ રાજ્યસભાના ઉપસભાપતિ કુરિયને માયાવતીને તેમનાં રાજીનામા અંગે ફરી વિચારવા આગ્રહ કર્યો હતો. કુરિયને માયાવતીને ૧૮મી જુલાઈએ દલિતો પર અત્યાચારના મુદ્દે ૩ મિનિટથી વધુ નહીં બોલવા તાકીદ કરી હતી. આ પછી માયાવતીએ વિપક્ષોનો અવાજ ગૃહમાં રુંધવામાં આવે છે તેવા આક્ષેપ કર્યા હતા અને ગુસ્સામાંને ગુસ્સામાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. આ પછી સાંજે તેમણે રાજીનામું આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter