દિલ્હીઃ ચૂંટણી પંચે આખરે 10 એપ્રિલે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. સોમવારે કેન્દ્રીય ચૂંટણીપંચે ત્રણ રાષ્ટ્રીય પાર્ટી અને બે ક્ષેત્રીય પાર્ટીઓ પાસેથી દરજ્જો પરત લઈ લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને કર્ણાટકની ચૂંટણી પહેલાં જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપતાં આપને મોટો ફાયદો થયો છે.
આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની સાથે ચૂંટણીપંચે તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી અને સીપીઆઇ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત લઈ લીધો છે. ચૂંટણીપંચ મુજબ આ દળોને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવા છતાં જોઈતું પરિણામ ન લાવી શક્યાં, જે કારણે તેમનો દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો છે. આ પાર્ટીઓને 2 સંસદીય ચૂંટણી અને 21 રાજ્ય વિધાનસભા ચૂંટણીના પૂરતા અવસર અપાયા હતા. જે બાદ આ દળોના પ્રદર્શનને રિવ્યૂ કરતાં વોટ શેર 6 ટકાથી પણ ઓછો જણાતાં તેમનો દરજ્જો પરત લેવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય ચૂંટણીપંચે ભારત રાષ્ટ્ર સમિતિ અને રાષ્ટ્રીય લોકદળ પાસેથી ક્ષેત્રીય પાર્ટીનો દરજ્જો પરત લઈ લીધો છે.
કોઈ પણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાં 6 ટકા મત મેળવવા જરૂરી હતા, જેની સામે આપ પહેલાથી જ દિલ્હી, પંજાબ અને ગોવામાં 6 ટકા વોટ શેર મેળવી ચૂકી હતી, તો બાદમાં ગુજરાતમાં પણ 13 ટકા વોટ શેર મળતાં તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળશે તે પાકું જ જણાતું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય પાર્ટી માટે 4 રાજ્યમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મળવો પણ જરૂરી હોય છે.
આપને શું થશે ફાયદો?
• આપને ચોક્કસ ચૂંટણી ચિન્હ અપાશે, જે સમગ્ર ભારતમાં એક જ રહેશે અને બદલી શકાશે નહીં. • ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકને સ્થાન આપી શકાશે. ઉમેદવારના પ્રચાર માટેનો મુસાફરીથી માંડીને અન્ય ખર્ચ ઉમેદવારે ઉપાડવાનો રહેશે. • સામાન્ય ચૂંટણી દરમિયાન દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારણનો દરજ્જો મળે છે. • પક્ષનું મુખ્યાલય બનાવવામાટે સરકારી જમીન મળે છે. • ઉમેદવારને નામાંકન દાખલ કરવા માત્ર એક પ્રસ્તાવકની જ જરૂર રહે છે.
હાલમાં કયા કયા રાષ્ટ્રીય પક્ષ?
રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ તો હાલમાં ભાજપ, કોંગ્રેસ, આરજેડી, સીપીઆઇએમ, સીપીએમ અને બીએસપીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે હવે આમ આદમી પાર્ટીને પણ રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ ચૂંટણીપંચે તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ અને બીએસપીને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો કે, શા માટે તેમને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ? જેની સામે આ પક્ષો દ્વારા 2024ની લોકસભા ચૂંટણી સુધી છૂટ આપવા માગણી કરી હતી.


