મુંબઈ: મહાનગર મુંબઈની શાંતિને હચમચાવી નાંખનાર 2006ના લોકલ ટ્રેન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઇકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપતાં લોકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. કોર્ટે ચુકાદો ફરમાવતાં કહ્યું હતું કે, સરકારી વકીલ આરોપીઓને દોષિત સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે.
બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે સોમવારે ચુકાદો આપતાં કહ્યું હતું કે, પુરાવાઓ જોતાં આરોપીઓએ કોઈ ગુનો કર્યો છે તેવું માની શકાય તેમ નથી. આરોપીઓને દોષિત ઠરાવી શકાય તેવા નક્કર પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા નથી. આથી અમે તેમને નિર્દોષ છોડવાનો આદેશ આપીએ છીએ. આ કેસમાં પાંચ દોષિતોને ફાંસીની સજા કરાઈ છે અને સાતને આજીવન કારાવાસની સજા કરાઈ છે પણ કોર્ટ તેમની આ સજા રદ કરે છે અને તેમને નિર્દોષ જાહેર કરે છે. આથી જો તેઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય તો તેમને જેલમાંથી તત્કાળ મુક્ત કરવામાં આવે.
આ ચુકાદાને હવે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. પોલીસની ચાર્જશીટમાં આ બ્લાસ્ટ માટે લશ્કર-એ-તૌયબાના આતંકી આઝમ ચીમાને મુખ્ય આરોપી ગણાવાયો હતો. બહાવલપુરના તેનાં ઘરમાં રહીને તેણે સિમી અને લશ્કરના બે ગ્રૂપના વડા સાથે મળીને બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. આ કેસ નીચલી કોર્ટમાં સાબિત પણ થયો હતો અને કોર્ટે પાંચ આરોપીને મૃત્યુદંડ અને સાતને આજીવન કેદની સજા
ફરમાવી હતી.
19 વર્ષ જૂની ઘટના શું છે?
મુંબઈમાં 11 જુલાઈ 2006નાં રોજ વેસ્ટર્ન લોકલ ટ્રેનોના સાત કોચમાં કૂકરમાં વિસ્ફોટકો મૂકીને સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 189 લોકોનાં મોત થયા હતા અને 824 લોકોને ઈજા થઈ હતી. તમામ વિસ્ફોટ ફર્સ્ટ ક્લાસના કોચમાં થયા હતા. ઘટનાના 19 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. 11 જુલાઈ 2006ના રોજ સાંજે 6.24 કલાકથી 6.35 કલાક સુધીમાં એક પછી એક 7 પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ટ્રેનોના ડબ્બામાં RDX, એમોનિયમ નાઇટ્રેટ, ફયુઅલ ઓઈલનો ઉપયોગ કરીને કૂકર બોમ્બ બનાવાયા હતા જેનો બ્લાસ્ટ કરવા ટાઈમરનો ઉપયોગ કરાયો હતો.