આઝાદી પછીના બે દાયકા સુધી શિક્ષિત અને સમૃદ્ધ ભારતીયોને જ પાસપોર્ટ જારી કરાતાં હતાં

1967માં સુપ્રીમે ઐતિહાસિક ચુકાદામાં પાસપોર્ટ અને વિદેશ પ્રવાસને મૂળભૂત અધિકાર જાહેર કર્યાં હતાં

Wednesday 10th August 2022 06:03 EDT
 
 

લંડન

1967માં ભારતની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ ધરાવવો અને વિદેશ પ્રવાસ કરવો એ ભારતના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ ચુકાદો આવ્યો તે પહેલાં સ્વતંત્ર ભારતમાં કે બ્રિટિશ ઇન્ડિયામાં દરેક ભારતીયને પાસપોર્ટ જારી કરાતા નહોતા. આ ચુકાદા પહેલાં પાસપોર્ટને વિશેષાધિકાર માનવામાં આવતો અને સમાજમાં આગવું સ્થાન ધરાવતા અને સમૃદ્ધ લોકોને જ પાસપોર્ટ જારી કરાતો હતો. દિલ્હીની જેએનયુના ઇતિહાસકાર રાધિકા સિંહા કહે છે કે લાંબા સમય સુધી પાસપોર્ટને નાગરિક સન્માન ગણાતો હતો અને ફક્ત શિક્ષણ અને બ્રિટિશ સરકારનું સમર્થન કરનારાને જ પાસપોર્ટ જારી કરાતો હતો. તે સમયની બ્રિટિશ કોલોનીઓ એવા મલાયા, સિલોન અને બર્મામાં કામ કરવા જતા ભારતીયોને પાસપોર્ટ અપાતો નહોતો. તેમને કૂલીનો દરજ્જો અપાતો હતો અને લાખો ભારતીયો પાસપોર્ટ વિના જ બ્રિટિશ એમ્પાયરની તમામ કોલોનીઓમાં મજૂરી કામ કરવા માટે જતા હતા. તેથી બ્રિટિશ ઇન્ડિયામાં પાસપોર્ટ ધરાવતા લોકોને ભારતના સન્માનનિય પ્રતિનિધિ તરીકે જોવાતા હતા. એક્સેસ્ટર યુનિવર્સિટીના ઇતિહાસકાર કલાથમિકા નટરાજન કહે છે કે, ભારત સ્વતંત્ર થયો તે પછી પણ પાસપોર્ટ જારી કરવાની બ્રિટિશ સામ્રાજ્યની નીતિ ચાલુ જ રહી હતી. આઝાદ ભારતની સરકાર દ્વારા પણ પોતાના જ નાગરિકોને દરજ્જો જોઇને પાસપોર્ટ જારી કરાતા હતા. વિદેશમાં જઇને ભારતનું સન્માન જાળવી શકે અને યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકે તેવા ભારતીયોને જ પાસપોર્ટ જારી કરવાની અન્યાયી પદ્ધતિ 1967માં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો ત્યાં સુધી જારી રહી હતી. પછાત વર્ગો અને ગરીબોને વિદેશ જતાં અટકાવવા માટે બ્રિટિશ સરકારે આ પ્રકારની અન્યાયી પદ્ધતિ અપનાવી રાખી હતી.

નટરાજન કહે છે કે બ્રિટિશ નેશનાલિટી એક્ટ 1948 પ્રમાણે કોઇપણ ભારતીય વિઝા વિના જ બ્રિટનમાં પ્રવેશ કરી શક્તો હતો. તત્કાલિન ભારત સરકારને એમ લાગતું હતું કે, પછાત અને ગરીબ વર્ગના લોકો બ્રિટનમાં જશે તો તેઓ પશ્ચિમમાં ભારતને શરમજનક સ્થિતિમાં મૂકશે જ્યારે બ્રિટનની સરકારને એમ લાગતું હતું કે દેશમાં અશ્વેતોની વધતી વસતી વર્ગ વિગ્રહ પેદા કરી શકે છે. તે સમયે નીચલા તબકાના ભારતીયો અકુશળ અને અંગ્રેજી સારી રીતે બોલી શક્તા નહોતા તેથી બ્રિટિશ અધિકારીઓ તેમને અનિચ્છનિય ગણતા હતા. ભારતીયોને તેમણે અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરી રાખ્યા હતા જેમાં અનડિઝાયરેબલનો પમ સમાવેશ થતો હતો. આ પ્રકારના અનડિઝાયરેબલ્સને બ્રિટિશ સરકાર દ્વારા પાસપોર્ટ જારી કરાતો નહોતો અને આજ નીતિ તત્કાલિન ભારત સરકારે 1967 સુધી જારી રાખી હતી. તે સમયે પાસપોર્ટ મેળવવા માટે ઇંગ્લિશનો ટેસ્ટ લેવાતો અને ફાઇનાન્સિયલ ગેરેંટી પણ આપવાની રહેતી હતી. બ્રિટિશ ઇન્ડિયન રાઇટર દિલિપ હિરો કહે છે કે મારી પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને ફાઇનાન્સિયલ ગેરેંટી હોવા છતાં 1957માં પાસપોર્ટ મેળવવામાં મને 6 મહિના લાગી ગયા હતા. 1959 અને 1960માં અભણ અથવા તો ઓછું ભણેલા ભારતીયોને પાસપોર્ટ જારી કરાતો નહોતો. જેના કારણે ઘણા ભારતીયોએ બનાવટી પાસપોર્ટ હાંસલ કર્યાં હતાં. આઝાદી પછીના બે દાયકા સુધી પાસપોર્ટ જારી કરવાની અન્યાયી નીતિ જારી રહી હતી અને પશ્ચિમના દેશોનો પ્રવાસ કરવા ઇચ્છતા સામાન્ય ભારતીય માટે પાસપોર્ટ એક અસામાન્ય સિદ્ધી બની રહેતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter