આઝાદીનો અમૃત મહોત્સવ

Wednesday 11th August 2021 03:17 EDT
 
 

નવી દિલ્હીઃ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા... રવિવારે સ્વાતંત્ર્યના ૭૪ વર્ષ પૂરા કરીને ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશ-વિદેશમાં વસતાં ભારતવાસીઓને સંબોધશે તે સાથે જ અમૃત મહોત્સવની ઉજવણી વેગવંતી બનશે. વડા પ્રધાન દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રજોગ પ્રવચન બાદ લોકોપયોગી મહત્ત્વની જાહેરાત કરતા હોય છે. આ વર્ષે ૭૫મો સ્વાતંત્ર્ય દિન હોવાથી તેઓ કોઇ આશ્ચર્યજનક જાહેરાત કરે તો પણ નવાઇ નહીં. વડા પ્રધાન અગાઉ જ કહી ચૂક્યા છે કે આઝાદીનો આ અમૃત મહોત્સવ એક એવું પર્વ બનવું જોઈએ કે જેમાં આઝાદીના સંગ્રામની ભાવના અને તેના ત્યાગનો સાક્ષાત અનુભવ થઈ શકે.

એમાં દેશના શહિદોને શ્રધ્ધાંજલિ પણ હોય અને તેમનાં સપનાનું ભારત સાકાર કરવાનો સંકલ્પ પણ હોય. તેમાં સનાતન ભારતના ગૌરવની ઝલક પણ હોય અને તેમાં આધુનિક ભારતની ઝલક પણ હોય. એમાં અધ્યાત્મનો પ્રકાશ પણ હોય અને વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યનું દર્શન પણ હોય. આ આયોજન થકી આપણે ૭૫ વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે રાખવાનો તથા હવે પછીનાં ૨૫ વર્ષ માટે આપણે એક રૂપરેખા અને સંકલ્પ પણ રજૂ કરીશું, કારણ કે વર્ષ ૨૦૪૭માં આપણે આઝાદીની શતાબ્દી મનાવીશું. આમ ૭૫મા વર્ષની ઉજવણી આપણા સહુ માટે આઝાદીની શતાબ્દીની દિશામાં મજબૂતી સાથે આગળ ધપવા માટે દિશાદર્શક બની રહેશે, પ્રેરક બની રહેશે. ભારતને આપણે એવી ઉંચાઈ ઉપર પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે કે જેની ઈચ્છા રાખીને અનેક વિરલાઓએ ફાંસીના ફંદાને ગળે લગાવ્યો હતો અને પોતાનું જીવન જેલમાં વિતાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter