આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ

Friday 02nd May 2025 06:39 EDT
 
 

શ્રીનગર: કાશ્મીર ઘાટીના પહલગામ આતંકી હુમલાની દેશભરમાં ટીકા થઇ રહી છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. 35 વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આતંકવાદને લઇને કાશ્મીરીઓ પણ ત્રાહિમામ હોવાના સંકેતો આ સજ્જડ બંધથી મળી રહ્યા છે.
કાશ્મીર ઘાટીના જે પહલગામમાં આતંકીઓએ હુમલો કર્યો ત્યાં બુધવારે તમામ બજારો, દુકાનો અને વેપારના સ્થળો સજ્જડ બંધ રહ્યા હતા. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ રસ્તા પર ઉતરીને આતંકવાદ સામે એકતા દેખાડી હતી, અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં ‘મૈં ભારતીય હું’ના નારા લગાવીને કાશ્મીરીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને આકરો સંદેશો આપ્યો હતો. હિન્દુઓ અને મુસ્લિમોએ એક થઇને આતંકવાદ સામે આ સંદેશો આપ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં પહલગામના લોકોએ કહ્યું હતું કે જે પણ પર્યટકો ફસાયા છે તેમના રહેવા-જમવા સહિતની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. વિરોધ પ્રદર્શનમાં સામેલ સ્થાનિક હોટેલ વ્યવસાયી આસિફ બુર્ઝાએ કહ્યું હતું કે આ હુમલાથી અમારું માથું શરમથી ઝૂકી ગયું, આ પર્યટકોનો શું દોષ હતો? તેઓ અહીંયા હરવા ફરવા જ આવ્યા હતા. અમે આતંકીઓ સામેના અભિયાનમાં સંપૂર્ણ રીતે સેનાની સાથે છીએ. અગાઉ જમ્મુમાં તો ક્યારેક બંધ પળાતા હોય છે પરંતુ કાશ્મીર ઘાટીમાં 35 વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. હાલમાં સમગ્ર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter