આતંકના ભયમાં ભારત પાક. સફળ મંત્રણાઃ વિદેશ પ્રધાન સ્વરાજ પાક.ની મુલાકાત લેશે

Monday 07th December 2015 07:07 EST
 
 

વર્ષ ૨૦૧૫ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મુલાકાત રદ થયા બાદ તળિયે પહોંચેલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી વખત ભરતી આવી છે. ૬ઠ્ઠી ડિસેમ્બરે બેંકોકમાં ભારત અને પાકિસ્તાનના સુરક્ષા સલાહકારો વચ્ચે શાંતિ, સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર મંત્રણા થઈ હતી. આ બેઠકમાં બંને દેશોના વિદેશ સચિવો પણ જોડાયા હતા.

રશિયાના ઉફામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાક. પ્રમુખ નવાઝ શરીફ વચ્ચેની મુલાકાત પછી બંને દેશો વચ્ચેના મુદ્દાઓ માટે એક બીજી મંત્રણા ગોઠવાઈ હતી, પરંતુ પાક. કાશ્મીરી અલગતાવાદીઓ સાથેની મુલાકાતની જિદના કારણે તે સ્થગિત રહી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો તળિયે બેઠા હતા. તાજેતરમાં પેરિસ ખાતેની ક્લાઇમેટ સમિટમાં મોદી અને શરીફની મુલાકાત પછી ફરી એકવાર મંત્રણાની પ્રક્રિયા શરૂ થવાની આશાઓ જન્મી હતી. રવિવારે બેંકોકમાં ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજિત દોવલ અને પાક. સલાહકાર નાસિર ઝાન્ઝુઆ વચ્ચેની મુલાકાતમાં એલઓસી ખાતે થઇ રહેલી ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક પછી બંને નેતાઓએ સંયુક્ત નિવેદન કર્યું હતું.

સંયુક્ત નિવેદન

પેરિસમાં ભારત અને પાક. વડા પ્રધાનોની બેઠક બાદ રવિવારે બેંકોકમાં બંને દેશોના વિદેશ સચિવો સાથે રાષ્ટ્રીય સલાહકારોની બેઠક મળી હતી. સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં બંને રાષ્ટ્રોના સચિવો અને સલાહકારોએ કરેલી ચર્ચામાં શાંતિ - સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ મોખરે હતાં અને બંને પક્ષ રચનાત્મક મંત્રણા જારી રાખવા સંમત થયા હતા.

મીડિયાથી દૂર થયેલી મંત્રણા સફળ રહેશે : ઓમર અબ્દુલ્લા

ભારત-પાક મંત્રણાને આવકારતાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ શંકા વ્યક્ત કરી હતી કે, મીડિયાની નજરથી દૂર મંત્રણા હાથ ધરવાથી સારી એવી સફળતા મળશે. ભારત પાક. વચ્ચે મંત્રણા શરૂ થઇ તે જોઇને ઘણો આનંદ થયો છે. વિદેશમાં મંત્રણા હોવાથી વધુ સફળ બનશે.

મોદી સરકારની મોટી દગાબાજી: કોંગ્રેસ

બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની ગુપ્ત બેઠકને કોંગ્રેસે મોદી સરકારની દગાબાજી અને પાક. પ્રત્યેની સરકારની નીતિની નિષ્ફળતા ગણાવી હતી. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, આ સરકારે જાહેરમાં આપેલા તમામ વચનો દગાખોરી છે. મોદી સરકારના ૧૮ મહિનાના શાસનમાં પાક. પ્રત્યેની નીતિમાં સરકારે અચાનક ગુલાંટ મારી છે.

મંત્રણા ફરી પાટે ચડી

પેરિસ ખાતે મોદી અને શરીફ વચ્ચે મુલાકાત અને બેંકોક ખાતે અચાનક મંત્રણા થતાં પરદા પાછળ તૈયારી ચાલતી હોવાના સંકેતો મળ્યા છે. ૮ ડિસેમ્બરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ કોન્ફરન્સમાં ભાગ લેવા પાક. જઇ રહ્યાં છે. સુષ્માની ઇસ્લામાબાદ મુલાકાત માટેનો તખ્તો તૈયાર કરવા બેંકોક ખાતે સુરક્ષા સલાહકારો વચ્ચે મંત્રણા થઈ હતી. નોંધનીય છે કે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અફઘાન મુદ્દે થનારી બેઠકમાં ભાગ લેવા આઠમી ડિસેમ્બરે પાક. રવાના થશે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter