આતંકવાદ સૌથી મોટો ખતરો, તેને ખતમ કરવા એક થવું પડશેઃ મોદી

Saturday 01st December 2018 05:56 EST
 
 

બ્યૂનસ એરિસ (આર્જેન્ટિના)ઃ જી-૨૦ સમિટમાં હાજરી આપવા આર્જેન્ટિનાના પાટનગર બ્યૂનસ એરિસ પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી વ્યક્ત કરી છે કે આતંકવાદની સમસ્યા વિશ્વ માટે સૌથી મોટો ખતરો બની ગઇ છે. અને આ સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટે વિશ્વના દેશોએ એક થવું જરૂરી છે. વડા પ્રધાન મોદીએ સમિટની સમાંતરે ‘બ્રિક્સ’ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા) દેશોના વડાઓ સાથે અનૌપચારિક બેઠક યોજી ત્યારે આ લાગણી વ્યક્ત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે ‘બ્રિક્સ’ દેશોના સંબંધોને મજબૂત બનાવવા સહિતના મુદ્દે પણ ચર્ચા કરી હતી.
ભારતીય વડા પ્રધાન શુક્રવારે આર્જેન્ટિના પહોચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષના સમયગાળામાં જી-૨૦ દેશોએ ટકાઉ વૈશ્વિક વિકાસ પર ધ્યાન આપ્યું છે. આ પગલાથી જે વિકાસશીલ દેશો છે તેમને વધુ ફાયદો થશે, ખાસ કરીને વિશ્વમાં સૌથી મોટી અને આર્થિક વિકાસ કરી રહેલી ભારતીય ઇકોનોમીને પણ ફાયદો થશે.

યોગ દુનિયાને ભારતની ભેટ

મોદીએ બ્યુન્સ એરિસમાં યોજાયેલા ‘યોગ ફોર પીસ’ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ વિશ્વને યોગ એ ભારત તરફથી મળેલી સૌથી મોટી ભેટ છે. જેનાથી સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને શાંતિ પણ સ્થપાશે. તેમણે કાર્યક્રમનું નામ ‘યોગ ફોર પીસ’ રાખવા બદલ આયોજકોની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું કે આનાથી વધુ સારું નામ હોઈ શકે નહીં. યોગ દરેક લોકોને એકબીજાની સાથે જોડે છે, હું ૧૫ હજાર કિલોમીટર દૂરથી અહીં આવ્યો છું છતાં મને એમ જ લાગે છે કે હું ભારતમાં છું. યોગે ભારત અને આર્જેન્ટિના વચ્ચેનું અંતર દુર કરી નાખ્યું છે. આર્જેન્ટિનાને ભારતની કલા, સંગીત અને નૃત્યમાં ભારે રૂચિ છે એ જ રીતે ભારતમાં આર્જેન્ટિનાના ફૂટબોલ ખેલાડી મેરેડોનાના લાખો ચાહક છે.

ભારતને ક્રૂડ આપતા રહીશુંઃ સાઉદી અરબ

જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચેલા વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે બેઠક કરી હતી. પ્રિન્સ સલમાને કહ્યું કે ભારતને સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ કરતું રહેશે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાંથી ક્રૂડની આયાત અટકાવવા અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે ત્યારે સાઉદી અરબ નવેમ્બરથી ભારતને ૪૦ લાખ બેરલ વધારાનું ક્રૂડ ઓઈલ સપ્લાય કરી રહ્યું છે.
આ બેઠક દરમિયાન મોદી અને સલમાને આર્થિક, સાંસ્કૃતિક, ઊર્જા, ટેક્નોલોજી સહિતના ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાના મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક બાદ મોદીએ ટ્વિટમાં કહ્યું કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાન સાથે ઘણી જ સાર્થક મંત્રણા કરી.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ મોદીએ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતેરસ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.

રાષ્ટ્ર નેતાઓ વચ્ચે તણાવ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધની તંગદિલી વચ્ચે આર્જેન્ટિનામાં ૧૩મી જી-૨૦ સમિટ યોજાઇ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે યોજાનારી બેઠક પર બધાની નજર ટકેલી છે. સમસ્ત વિશ્વ આ બેઠક પર નજર માંડીને બેઠું છે. તો આ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર પણ વિશ્વની નજર હતી. જી-૨૦ સમિટ અગાઉ રશિયાના વડા પ્રધાન વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ક્લાઈમેટ ચેન્જ અને ટ્રેડ વોર સહિતના મુદ્દે ગંભીર મતભેદ પ્રવર્તે છે જેની અસર આ સમિટ પર પણ જોવા મળી રહી છે. યુક્રેન સાથે સંઘર્ષ, ચીન સાથે ટ્રેડ વોર અને સાઉદી અરેબિયા સાથે વણસેલા સંબંધો વચ્ચે ટ્રમ્પ અને પુતિન આ સમિટમાં એકઠા થયા છે, જોકે બંને સાથે બેસવાના નથી. યુક્રેન મુદ્દો આગળ કરીને ટ્રમ્પે પુતિન સાથેની વાટાઘાટો છેલ્લી ઘડીએ રદ કરી હતી.

મર્કેલ ૧૨ કલાક મોડા પહોંચ્યા

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના વિમાનમાં ગંભીર ક્ષતિ સર્જાતા કોલોન ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પરિણામે મર્કેલ જી-૨૦ સમિટમાં ૧૨ કલાક મોડા પડ્યા હતા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક રદ કરવાની ફરજ પડી હતી. જર્મનીનું એરફોર્સ વિમાનમાં ક્ષતિ અંગે તપાસ કરી રહ્યું છે. બર્લિનથી ટેકઓફ કર્યા બાદ તરત જ મર્કેલની એરબસ એ-૩૪૦-૩૦ વિમાનમાં તકલીફની જાણ થઇ હતી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં ગંભીર ક્ષતિ હતી તેમ મર્કેલે જણાવ્યું હતું. જોકે જર્મન એરફોર્સે આ ઘટનામાં ભાંગફોડની શક્યતાને વાયુદળે નકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter