શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના બાદીગામમાં રવિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બાદીગામમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરતાં અથડામણ સર્જાઇ હતી, જેમાં સુરક્ષાદળોએ પાંચે આતંકવાદીને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સદ્દામ પેડ્ડર સિવાય કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરનો પણ સમાવેશ
થાય છે.
કાશ્મીર યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા મોહમ્મદ રફી ભટ ચોથી મેથી લાપતા બન્યા હતા. આઇજીપી એસ. પી. સૈનીએ જણાવ્યું હતું કે ગંદેરબાલ જિલ્લાના ચુંદિના વિસ્તારના રહેવાસી મોહમ્મદ રફી ભટ આતંકવાદી સંગઠન સાથે જોડાઇ ગયાં હતા. પ્રોફેસરને શરણે આવવા મનાવવા માટે ગંદેરબાલથી તેના પરિવારને લઇ આવી હતી.
પ્રોફેસરનો પિતાને કોલ
માર્યા ગયેલા પ્રોફેસર ભટે તેમના પિતા ફયાઝ એહમદ ભટને કરેલા છેલ્લા કોલમાં જણાવ્યું હતું કે, મને માફ કરી દેજો. મેં તમને દુઃખ પહોંચાડયું છે. ફયાઝે પોલીસને જણાવ્યું હતું કે, મેં મારા દીકરાને શરણે આવી જવા ઘણી વિનંતી કરી હતી પરંતુ તે મારું સાંભળવા તૈયાર નહોતો. તેણે મને જણાવ્યું કે મને માફ કરજો, મેં તમારી લાગણી દુભાવી છે. હું અલ્લાહને મળવા જાઉં છું.
પ્રોફેસર લાપતા થવાને કારણે કાશ્મીર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળ નજીક આતંકવાદીઓની સહાયમાં ઊતરી આવેલા સ્થાનિકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.