નવી દિલ્હીઃ એનઆઇએએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકી મદદગાર સૈયદ સલાહુદ્દીનનાં ૪૨ વર્ષીય પુત્ર સૈયદ શાહિદ યુસુફની ૨૪મી ઓક્ટોબરે ૨૦૧૧ના ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરી છે. કેસની તપાસમાં પૂછપરછ દરમિયાન યુસુફનું નામ બહાર આવતાં ધરપકડ પહેલાં એનઆઇએએ યુસુફની પૂછતાછ કરાઈ હતી. એ પછી તેને જજ સમક્ષ રજૂ કરાયો હતો. એનઆઇએના અધિકારીઓનો આરોપ છે કે, યુસુફને હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદી એજાઝ અહેમદ બટ તરફથી વર્ષો સુધી નાણાં મળતાં હતાં. યુસુફ સાઉદીમાં રહેતા બટ સાથે સંપર્કમાં હતો અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ માટે બટ પાસેથી નાણાં મેળવતો હતો.
પાંચ સંતાનો સરકારી નોકર
સૈયદ સલાહુદ્દીન પીઓકેમાં બેઠો બેઠો ભારતમાં આતંક ફેલાવે છે પરંતુ કાશ્મીરમાં તેના સંતાનો સરકારી નોકરીઓ કરી રહ્યાં છે. તેના કુલ ૬ સંતાનમાંથી ચાર દીકરા અને એક દીકરી સરકારી નોકર છે. સલાહુદ્દીનનો એક દીકરો શેર એ કાશ્મીર હોસ્પિટલમાં ડોક્ટર તો બીજો દીકરો શકીલ એહમદ મેડિકલ આસિસ્ટન્ટ છે. જાવેદ યુસુફ શિક્ષણ વિભાગમાં અને શાહીદ યુસુફ કૃષિ વિભાગમાં નોકરી કરે છે. તેની એક દીકરી સરકારી શાળામાં શિક્ષિકા તો બીજી દીકરી ખાનગી શાળામાં શિક્ષિકા છે.


