નવી દિલ્હીઃ ભારતીય તપાસ સંસ્થાઓએ આતંકી હાફિઝ સઈદ બાબતે વધુ સક્રિય થયા બાદ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઘેરવા માટે વ્યૂહરચના તૈયાર કરતી હોવાની ચર્ચા છે. તેમના તાજેતરના પ્રયાસોને કારણે દાઉદ ઇબ્રાહિમ માટે પાકિસ્તાનમાં મુશ્કેલીઓ વધી છે. કરાચીમાં દાઉદની હાજરીના અહેવાલ મળતાં પાકિસ્તાન તરફથી નક્કર પગલાં માટે દબાણની અસર દેખાઈ રહી છે. હવે પાકિસ્તાને દાઉદને અંડરગ્રાઉન્ડ રહેવા અને પોતાના તમામ ફોન નંબરોને બંધ કરવાનું કહ્યું છે. ભારતીય સંસ્થાઓએ પાકિસ્તાનને દાઉદ સાથે જોડાયેલા પાકિસ્તાનના ૧૦ વેપારીઓની યાદી સોંપી છે. તેની સાથે દાઉદ પાકિસ્તાન અને અન્ય દેશોમાં રિઅલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ભારતીય અધિકારીઓ આ વેપારીઓની પણ પૂછપરછ કરવા માગે છે.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા આ પ્રયાસમાં ગત નવેમ્બરમાં ભારત સરકારને પાકિસ્તાનને દાઉદ ઇબ્રાહિમ અને તેના પરિવારથી જોડાયેલા આશરે ૨૦ લોકોના નામ, ફોન નંબર અને સરનામાં આપ્યા હતાં. તેની પાસેના ફોન નંબરોથી આ સ્પષ્ટ પણ થઇ ચૂક્યું છે કે દાઉદની હાજરી કાયમ કરાચીની એક પસંદગીની જગ્યા પર છે.