નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કલામપોરામાં સેનાના જવાન ઔરંગઝેબનાં અપહરણ હત્યા કરાઈ હતી. હિઝબુલ મુજાહિદ્દીનના ખતરનાક આતંકવાદી સમીર ટાઇગર સહિત બે આતંકીના એન્કાઉન્ટર સાથે સંકળાયેલા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગઝેબની હત્યા પહેલાં આતંકીઓએ તેની પૂછપરછનો વીડિયો પણ બનાવ્યો હતો તે વીડિયો આતંકીઓએ વાયરલ પણ કર્યો છે. ઔરંગઝેબની હત્યા પાછળ આઈએસઆઈનો હાથ હોવાની સંભાવના ભારતીય ગુપ્તચરોએ જાહેર કરી હતી. ઔરંગઝેબ પૂંચ જિલ્લાનો વતની હતો અને ફરજમુક્તિ બાદ બસમાં પોતાનાં ઘેર જઈ રહ્યો હતો તે દરમિયાન આતંકવાદીઓએ તેને બસમાંથી ઉતારી બંદુકની અણીએ અપહરણ કર્યું હતું. ભારતીય સૈન્યએ જણાવ્યું હતું કે, કાશ્મીરની આઝાદી માટે જેહાદી પ્રવૃત્તિઓ કરી રહેલાં આતંકવાદી સંગઠનો સામે ભારતીય સેનાએ શરૂ કરેલાં ઓપરેશનોથી ધ્રૂજી ઊઠેલા આતંકીઓએ ઔરંગઝેબનાં અપહરણ અને ઠંડા કલેજે હત્યા કરાવી હોવાનું મનાય છે. કાશ્મીરી યુવાનો ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોમાં ન જોડાય તે માટે આઈએસઆઈ સમર્થિત આતંકવાદીઓએ ઔરંગઝેબની હત્યા કરી હોવાની શંકા છે.
પુત્રના હત્યારાનો ખાતમો કરીશ
૨૪ વર્ષીય ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે જણાવ્યું હતું કે સરકાર મારા પુત્રની હત્યાનો બદલો નહીં લે તો હું એ આતંકીઓનો ખાતમો કરીશ. મારા પુત્ર પર મને ગૌરવ છે. તે દેશ માટે કુરબાન થયો છે. હું અને મારા અન્ય પુત્રો પણ દેશની સુરક્ષા માટે પ્રાણ આપવા તૈયાર છીએ.