નવી દિલ્હીઃ જાંબાઝ કાશ્મીરી યુવક નઝીર અહમદ વાણી એક એવો યુવાન છે, જે એક સમયે આતંકી હતો, ભારતીય સુરક્ષા દળો સામે લડતો હતો. લોકોમાં ભય - આતંક ફેલાવવા સતત સક્રિય રહેતો હતો. જોકે આ જ નઝીરની શૂરવીરતાની આજે - પ્રજાસત્તાક પર્વે સમગ્ર ભારત દેશ સલામ કરી રહ્યો છે. શહીદ લાન્સ નાયક નઝીર અહમદ વાણી શાંતિના સમયનું વીરતાનું સૌથી મોટું સૈનિક સન્માન મેળવનાર ભારતીય બન્યો છે. ૩૮ વર્ષીય નઝીર કાશ્મીરી યુવાનો માટે સૌથી મોટું ઉદાહરણ છે કે જેને રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિને મરણોપરાંત અશોકચક્રથી સન્માનશે.
સૈન્યના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અશોકચક્ર સ્વીકારવા તેની પત્ની મહઝબી દિલ્હી આવી ચૂકી છે. પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરના વ્યક્તિને અશોકચક્ર મળી રહ્યો છે. નઝીર ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ સામે લડતા શહીદ થયો હતો. તે કુલગામના અશ્મુજીનો રહેવાસી હતો. નઝીર આતંકનો રસ્તો છોડી ૨૦૦૪માં સૈન્યની ૧૬૨ ઇનફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)માં દાખલ થયો હતો.
નઝીરની વીરતા ગાથા
ગયા વર્ષે ૨૩ નવેમ્બરે નઝીર અહમદ વાણી પોતાના સાથીઓ સાથે ફરજ પર હતો. ગુપ્તચર માહિતી મળી કે શોપિયાંના બેટાગુંડ ગામમાં હિઝબુલ અને લશ્કરના છ આતંકી છુપાયેલા છે. આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયારો પણ હતા. નઝીરની ટીમ બટાગુંડ ગામ પહોંચી. આતંકીઓએ અચાનક સુરક્ષા દળ પર ફાયરિંગ શરૂ કરી દીધું અને ગ્રેનેડ ફેંક્યા ત્યારે નઝીરે બે આતંકીને ઠાર માર્યા. નઝીર એક ઘાયલ સાથીને બચાવી રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેના પર ગોળીબાર કર્યો. એક ગોળી તેના માથામાં વાગી અને તે શહીદ થઈ ગયો. સુરક્ષા દળે આ કાર્યવાહીમાં તમામ છ આતંકવાદીને ઠાર માર્યા હતા.
સૈન્યમાં ભરતી થયા બાદ તેણે સૌથી વધુ સમય કાશ્મીરમાં જ ફરજ બજાવી હતી. આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા અનેક ઓપરેશનમાં તે સામેલ થયો હતો. નઝીરની બહાદુરીને બિરદાવતા ૨૦૦૭ અને ૨૦૧૮માં પણ તેને સેના મેડલ એનાયત થઇ ચૂક્યા છે. તેના પરિવારમાં પત્ની મઝહબી અને બે પુત્રો અતહર અને શાહિદ છે.


