આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલી નહીં શકીએ: નરેન્દ્ર મોદી

Sunday 20th December 2020 01:39 EST
 

નવી દિલ્હીઃ સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીએ ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૨૦૦૧માં આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણે આજે એ લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણી સંસદની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સમગ્ર દેશ તેમનો ઋણી રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શહીદોને વંદન કરતી ટ્વિટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ એ તમામ શહીદોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે જેમણે ૨૦૦૧માં સંસદની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. આ મહાન બલિદાનને યાદ કરવાની સાથે સાથે આતંકી તાકાતો સામે લડવાનો આપણો સંકલ્પ વધારે મજબૂત કરીએ.
ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપતી બે ટ્વિટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિર સંસદ ભવન ઉપર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં દુશ્મનો સાથે બાથ ભીડી પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા મા ભારતીના વીર સપૂતોને કોટિ-કોટિ વંદન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારાં અમર બલિદાનનું સદાય ઋણી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter