આપણે સહુ ભારત ભાગ્ય વિધાતાઃ ભારતે વિશ્વને લોકશાહીની સાચી શક્તિનો પરિચય કરાવ્યો

Tuesday 16th August 2022 07:45 EDT
 

નવી દિલ્હીઃ દેશ આઝાદીના 75મા વર્ષની રંગેચંગે ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે પ્રજાજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતે સમગ્ર વિશ્વને લોકશાહીની સાચી શક્તિનો પરિચય કરાવ્યો છે.

ભારત સ્વતંત્ર થયું ત્યારે અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ અને વિચારકોએ આપણી લોકતાંત્રિક શાસન વ્યવસ્થાની સફળતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. તે સમયે લોકતંત્ર આર્થિક રીતે સમૃદ્ધ દેશો સુધી જ મર્યાદિત હતું. વિદેશી શાસકોના શોષણના કારણે વર્ષોસુધી ભારત ગરીબી અને નિરક્ષરતાનો સામનો કરી રહ્યું હતું. પરંતુ ભારતવાસીઓએ તેમની આશંકાઓને ખોટી પુરવાર કરી છે. ભારતે વિશ્વ સમુદાયને લોકતંત્રની વાસ્તવિક ક્ષમતાનો પરિચય કરાવ્યો છે.

76મા સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ બન્યા પછીનું પહેલું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં, મુર્મુએ કહ્યું હતું કે આપણે સૌ ભારે મહેનત કરીને ભારત ભાગ્ય વિધાતા બન્યાં છીએ. આજે આઝાદીના 75મા વર્ષની ઉજવણી પ્રસંગે દેશના ખૂણેખૂણે ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. ભારત ઝડપથી આર્થિક વિકાસ કરતો દેશ બની ગયો છે. 2047 સુધીમાં આપણે સ્વતંત્રતા સેનાનીઓનાં સપનાને સાકાર કરી લઈશું. ભારતનો આર્થિક વિકાસ સર્વ સમાવેશક બની રહ્યો છે. આર્થિક મોરચે વૈશ્વિક પ્રવાહથી વિપરિત ભારતની ઈકોનોમી ફૂલીફાલી રહી છે જેનો શ્રેય આપણી કેન્દ્ર સરકાર તેમજ નીતિનાં ઘડવૈયાઓને જાય છે.
આઝાદ ભારતના 75 વર્ષ આંખના પલકારામાં પસાર થઈ ગયા છે, પણ એક વ્યક્તિ તરીકે આપણા જીવનનાં એ યાદગાર વર્ષો છે. એક નાગરિક માટે આવશ્યક બધું જ દેશે આપણને આપ્યું છે. સુરક્ષા, સલામતી, સમૃદ્ધિ અને વિકાસ એ દેશે આપણને આપેલી અણમોલ ભેટ છે.

આત્મનિર્ભર ભારતનું નિર્માણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, ભારતની આઝાદી આપણી સાથે વિશ્વમાં લોકતંત્રના દરેક સમર્થક માટે ઉત્સવ સમાન છે. આપણે સંકલ્પ કરીએ કે વર્ષ 2047માં આપણી આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં આપણે સ્વાધીનતા સેનાનીઓના સપનાનું ભારત સાકાર કરી લઈશું. આપણે અગાઉથી જ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં કાર્યરત છીએ. હવેનું ભારત એક એવું ભારત હશે, જે પોતાની સંભાવનાઓને સાકાર કરી ચૂક્યું હશે. ભારતના રસીકરણ અભિયાનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરાઈ છે.
તેમણે કહ્યું કે, માર્ચ 2021માં દાંડી યાત્રાથી શરૂ થયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’એ દેશમાં સ્વાધિનતા સંગ્રામના મહાન આદર્શો આપણને યાદ કરાવ્યા છે. દેશવાસીઓએ હાંસલ કરેલી સફળતાના આધારે ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણનો સંકલ્પ પણ આ ઉત્સવનો ભાગ છે. એક રાષ્ટ્ર માટે, વિશેષરૂપે ભારત જેવા પ્રાચીન દેશના લાંબા ઈતિહાસમાં, 75 વર્ષનો સમય ખૂબ જ નાનો લાગે છે. પરંતુ વ્યક્તિગત સ્તરે આ સમય એક જીવનયાત્રા સમાન છે.

અસમાનતા ઘટી રહી છે
મુર્મુએ કહ્યું કે આર્થિક વિકાસ વધુ સમાવેશી થઈ રહ્યો છે. પ્રાદેશિક અસમાનતા ઘટી રહી છે. યુવાનોમાં વિશ્વાસ સાથે જોમ અને જુસ્સાનો સંચાર થઈ રહ્યો છે. ખેડૂતોનો વિકાસ થઇ રહ્યો છે અને મહિલાઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે. મહિલાઓ હવે આગળ વધી રહી છે. મહિલાઓને સમાન અધિકારો આપવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter