ડબ્લિનઃ યુરોપિયન દેશ આયર્લેન્ડમાં ભારતવંશી લિયો વરાડકર બહુમતી ધરાવતી પાર્ટી ફાઇન ગેલના નેતા તરીકે ચૂંટાયા છે. મતલબ કે વરાડકર આયર્લેન્ડના તાઓસીચ (વડા પ્રધાન) બનશે. વરાડકરે ૨૦૧૫માં જાહેરમાં પોતાને સમલૈંગિક બતાવ્યા હતા.
૧૯૯૩ સુધી આયર્લેન્ડમાં સમલૈંગિક હોવું કે સમલૈંગિક લગ્ન અપરાધ હતા. જોકે હવે આગામી થોડાંક સપ્તાહોમાં દેશનું સુકાન સંભાળનારા ૩૮ વર્ષના વરાડકર આયર્લેન્ડના સૌથી યુવા અને પ્રથમ સમલૈંગિક વડા પ્રધાન હશે. વડા પ્રધાન એન્ડા કેની દ્વારા પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેતાં અધ્યક્ષ પદ અને દેશનું વડા પ્રધાન પદ ખાલી પડ્યા છે. દેશમાં સંસદના નીચલા ગૃહ ડોયલ એરોનની ગત ચૂંટણીઓ જાન્યુઆરી ૨૦૧૬માં યોજાઇ હતી. આગામી ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની છે. જો બધું ઠીક રહેશે તો લિયો વરાડકર ૨૦૧૬ સુધી વડા પ્રધાન પદે રહેશે.
લિયો વરાડકરે પક્ષના સર્વોચ્ચ સ્થાને ચૂંટાયા બાદ કહ્યું હતું કે હું જાણું છું કે મારા પિતા પાંચ હજાર કિલોમીટર દૂર ચાલીને આયર્લેન્ડમાં એક નવું ઘર બનાવવાનું સ્વપ્ન જોતા હતા. મને લાગે છે કે તેમણે ક્યારેક એવું વિચાર્યું હશે કે એક દિવસ તેમનો પુત્ર દેશનો વડા પ્રધાન હશે. આજે દેશમાં દરેક માતા-પિતાને પોતાના સંતાન પર ગર્વ હોવો જોઇએ.
આયર્લેન્ડ બદલાઇ ગયું
લિયોના જન્મથી અત્યાર સુધીમાં દેશ બહુ બદલાઇ ગયો છે. તે સમયે આયર્લેન્ડમાં તલાક અને સમલૈંગિક સંબંધ ગેરકાનૂની અને અપરાધ હતા. રૂઢિવાદ પ્રબળ હતો. આયર્લેન્ડ યુરોપિયન યુનિયનના ગરીબ સભ્ય દેશોમાં ગણાતું હતું, હવે એવું નથી. દેશમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી જંગી મૂડીરોકાણ આવ્યું તો દુનિયાના ધનિક દેશોમાં ગણાવા લાગ્યું. જોકે વિશ્વવ્યાપી મંદીથી અર્થતંત્ર નબળું પડ્યું છે.
મહારાષ્ટ્ર મૂળ વતન
લિયો વરાડકરના પિતા અશોક વરાડકર મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના વરાડ ગામના છે. તેઓ મુંબઇમાં ડોક્ટર હતા. ત્યાંથી ઇંગ્લેન્ડ અને ત્યાર પછી આયર્લેન્ડ આવ્યા. બર્કશાયરમાં કામ કરતી વખતે ડો. અશોકને ત્યાંની નર્સ મિરિયમ સાથે પરિચય થયો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને બંનેએ લગ્ન કરીને આયર્લેન્ડમાં વસવાટ કર્યો. ડબલિનમાં ૧૯૭૯ની ૧૮મી જાન્યુઆરીએ લિયોનો જન્મ થયો હતો. ૨૪ વર્ષની વયે લિયો કોર્પોરેટર બન્યા અને ૨૦૦૭માં આયરિશ સંસદમાં ચૂંટાયા. ૨૦૧૧માં તેમના પક્ષની ગઠબંધન સરકાર બની તો લિયો પરિવહન, પર્યટન અને રમત પ્રધાન બન્યા. ત્યાર પછી આરોગ્ય પ્રધાન બન્યા.
મુંબઇમાં ઉજવણી
આયર્લેન્ડમાં ચૂંટણીનાં પરિણામોની જાહેરાત થવાની સાથે જ મુંબઈમાં બોરીવલીસ્થિત વરાડકર પરિવારમાં આનંદોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું. ૩૮ વર્ષની વયે વિશ્વના દેશના સૌથી યુવાન વડા પ્રધાન બનનારા લિયો વરાડકર આ પરિવાર સાથે નાતો ધરાવે છે. પરિવારના પુત્રના વિજયની ઉજવણી કરવા માટે ૫૦ સભ્યો એકત્ર થયા હતા. લિયોના પિતા ડોક્ટર અશોક વરાડકર મૂળ કોંકણ કાંઠે માલવણ નજીક વરાડના વતની છે અને તેમના નવ ભાઈ-બહેન હતાં. તેઓ ૧૯૬૦માં મુંબઈ આવ્યા હતા અને પછી આયર્લેન્ડમાં સ્થળાંતર કર્યું હતું. લિયોના પિતરાઈ બહેન પ્રખ્યાત ઓડિશી નૃત્યાંગના શુભદા વરાડકરે જણાવ્યું હતું કે, લિયોનો વિજય નિશ્ચિત હોવાનો અમને વિશ્વાસ હોવાથી અગાઉથી ઉજવણીની તૈયારી કરી રાખી હતી.