નવી દિલ્હી: નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ ભારત માટે આર્થિક મોરચે આનંદના સમાચાર આવ્યા છે. 2025નું વર્ષ વિદાય લે તે પૂર્વે જ ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યું છે.
ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારના મતે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
દેશના આર્થિક સુધારા સંદર્ભે એક નિવેદનમાં જણાવાયું છે કે, 4.18 ટ્રિલિયન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર જીડીપીનો અંદાજ છે. આમ ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.
આર્થિક વૃદ્ધિ અપેક્ષા કરતાં વધુ સારી
વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1) અમેરિકા, (2) ચીન (3) જર્મની (4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. નિવેદન અનુસાર, દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થામાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા કટિબદ્ધ છે.


