નવી દિલ્હી: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા દેશનાં સામાન્ય બજેટ પહેલા ગુરુવારે સંસદમાં વર્ષ 2025-26નો ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ 7.4 ટકા રહેશે પણ આગામી નાણાકીય વર્ષ 2026-27માં તે સ્હેજ ધીમો પડીને 6.8 ટકાથી 7.2 ટકાની વચ્ચે રહેવાની ધારણા રજૂ કરાઈ હતી.
સરવેમાં મોંઘવારીને 4 ટકાની અંદર અંકુશમાં રાખવામાં સફળતા તેમજ ખેત પેદાશોની ઉપજમાં વધારો, કૃષિ ક્ષેત્રનાં વિકાસમાં ધીમી વૃદ્ધિ અને રોજગારીનાં સર્જનમાં વધારાને લગતી ધારણાઓ વ્યકત કરાઈ હતી. નાણાકીય વર્ષ 2026માં કૃષિ ક્ષેત્રે ગ્રોથ 3.1 ટકા રહેવાની ધારણા છે. એકંદરે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ઈકોનોમી આખા વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરતી રહેશે તેવું ચિત્ર રજૂ કરાયું હતું. સરવેમાં અમેરિકા સાથે આ વર્ષમાં ટ્રેડ ડીલ થવાની આશા વ્યક્ત કરાઈ હતી. આને કારણે વેપાર ક્ષેત્રે સ્થિતિ થોડી સુધરશે તેમ જણાવાયું હતું.


