આર્મીમાં મહિલા ઓફિસરોને કાયમી કમિશન્ડના લાભ આપો: સુપ્રીમ કોર્ટ

Tuesday 18th February 2020 06:14 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં આર્મીમાં મહિલા ઓફિસરોને કાયમી કમિશનનાં લાભ આપવા કેન્દ્ર સરકારને ફરમાન કર્યું છે. આમ ૧૭ વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી આર્મીમાં મહિલાઓને પુરુષોની બરાબરીના અધિકારો માટેનો રસ્તો ખૂલ્યો છે. કોર્ટે સરકારને ફટકાર લગાવતા તેની માનસિકતા બદલવા અને ૩ મહિનામાં જ મહિલા ઓફિસરોને કાયમી કમિશનના લાભ આપવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમે આ મામલામાં દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કેન્દ્ર સરકારે દલીલો કરી હતી કે, મહિલાઓની શારીરિક ક્ષમતાઓને કારણે તેમજ સામાજિક માપદંડોને કારણે આર્મીમાં કમાન્ડ પોસ્ટ આપી શકાય નહીં, પણ કોર્ટે સરકારની તમામ દલીલો ફગાવીને માનસિકતા બદલવા કહ્યું હતું. કોર્ટના આ ચુકાદા સાથે જ આર્મીમાં મહિલાઓને હવે પુરુષો ઓફિસરોની સમકક્ષ અધિકારો મળશે. કોર્ટના આ ચુકાદા છતાં મહિલાઓને યુદ્ધના વખતે બેટલ ફિલ્ડ પર લડવા માટે મોકલાશે નહીં. કોર્ટે કહ્યું કે ૩૦ ટકા મહિલાઓ હાલ મોરચા પર છે. તાન્યા શેરગિલ અને કેપ્ટન મધુમિતા જેવી ઓફિસરોએ પ્રશંસનીય કાર્યો કર્યા છે. આથી મહિલાઓ પ્રત્યે ભેદભાવ રાખી શકાય નહીં. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
સરકારની દલીલો
સરકારે દલીલો કરી હતી કે મહિલાઓ શારીરિક રીતે સક્ષમ હોતી નથી. તેને યુદ્ધના મોરચે મોકલવામાં આવે તો દુશ્મનો તેનો ખોટો લાભ ઉઠાવી શકે છે. ગામડામાંથી આવતી મહિલા ઓફિસરોનાં આદેશોનું પુરુષ સૈનિકો પાલન કરશે કે કેમ તે નક્કી નથી. મહિલાઓ પર પરિવારનો બોજ હોય છે. સામાજિક જવાબદારીઓ હોય છે. આથી તેમને કાયમી કમિશન્ડના લાભ આપી શકાય નહીં.
રાહુલ ફસાયા
આ ચુકાદા પછી સરકારને ઘેરવાના પ્રયાસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે જ ટ્રેપમાં ફસાઈ ગયા હતા. રાહુલે આક્ષેપો કર્યાં હતાં કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી આર્મીમાં જોડાયેલી મહિલાઓનું અપમાન કર્યું છે. સુપ્રીમનો ચુકાદો સરકારનો ઘોર પરાજય છે જો કે હાઈ કોર્ટના મહિલા નવદીપ સિંહે રાહુલની ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું હતું કે, ૨૦૧૦માં સત્તા ઉપર રહેલી યુપીએ સરકારે જ હાઇ કોર્ટનાં ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. આથી કોર્ટનાં ચુકાદા પર રાજનીતિ નહીં રમવા તેમણે રાહુલને સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter