આર્યન ખાનને બોમ્બે હાઈ કોર્ટની ક્લીનચીટ

Friday 26th November 2021 05:18 EST
 
 

મુંબઈઃ વિવાદાસ્પદ ક્રૂઝ રેવ પાર્ટી અને ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આરોપી સાબિત કરવા કોઈ નક્કર પૂરાવા નથી તેમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે આર્યન ખાનનો બેઈલ ઓર્ડર જાહેર કર્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે મોબાઈલ દ્વારા કરાયેલી વોટસએપ ચેટમાં પણ કશું વાંધાજનક મળી આવ્યું નથી. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનાં પુત્ર આર્યન ખાનને ૨ ઓક્ટોબરે NCB દ્વારા ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો હતો. ૨૬ દિવસ જેલમાં રહ્યા પછી તેને ૨૮ ઓક્ટોબરે જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, આર્યન ખાન તેમજ તેના સાથી મિત્રો સામે કોઈ પૂરાવા મળ્યા નથી.
કાવતરું ઘડ્યાના પુરાવા નથી
કોર્ટે કહ્યું હતું કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી કે તેણે અન્ય મિત્રો મર્ચન્ટ તેમજ ધામેચા સાથે મળીને ડ્રગ્સ માટે કોઈ કાવતરું ઘડયું હોવાનાં પૂરાવા પણ મળ્યા નથી. મર્ચન્ટ અને ધામેચા પાસેથી નજીવી માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. એનસીબીએ આર્યન ખાન તેમજ અન્ય આરોપીઓનાં એનડીપીએસની કલમ ૬૭ હેઠળ જે નિવેદનો લીધા છે તેને ફક્ત તપાસ માટે ધ્યાનમાં લઈ શકાય છે તેમણે કોઈ ગુનો કર્યો છે તેવું સાબિત કરવા હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય નહીં. સાક્ષીઓના તમામ રેકોર્ડમાં ક્યાંય એવું પુરવાર થતું નથી કે તમામ આરોપીઓ ગેરકાનૂની કૃત્ય કરવા માટે એકઠા થયા હતા. આમ કોર્ટે ૧૪ પાનાનાં આદેશમાં એનસીબીનો કાવતરાંનો તર્ક ફગાવ્યો હતો.
હકીકતો અને પૂરાવા નક્કર જોઈએ જસ્ટિસ સાંબ્રેએ કહ્યું હતું કે, આરોપીઓ સામે કાવતરાંનો કેસ સાબિત કરવા નક્કર પૂરાવા હોવા જોઈએ. માત્ર ક્રૂઝમાં પ્રવાસ કરવાથી તેમની સામે એનડીપીએસની કલમ ૨૯ લાગુ કરી શકાય નહીં. તમામ પૂરાવાનો સ્વીકાર કરવામાં આવે તો પણ આ કેસમાં એક વર્ષથી વધુ સજાની જોગવાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter