આવકવેરા વિભાગ આકરા પાણીએઃ નાયબ મુખ્ય મંત્રી પવારની રૂ. ૧૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત

Thursday 04th November 2021 04:21 EDT
 
 

મુંબઇઃ આવકવેરા વિભાગે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની રૂ. ૧૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં નરિમાન પોઇન્ટસ્થિત નિર્મલ ટાવરમાં કાર્યાલય, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં એક રિસોર્ટ, ખાંડની મિલ અને ખેતીની જમીન સામેલ છે. થોડા દિવસ પહેલાં આવકવેરા વિભાગે તેમની બહેનનાં ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.
આવકવેરા વિભાગનો દાવો છે કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિ ખરીદવા માટે નાણાં ગેરકાયદે રીતે પ્રાપ્ત કરવામાં આવ્યાં હતાં. અજિત પવારની કેટલીક સંપત્તિઓ પર પડાયેલા દરોડા દરમિયાન ૧૮૪ કરોડ રૂપિયાની એવી સંપત્તિ મળી હતી જેની કોઈ વિગત ઉપલબ્ધ નહોતી.
અજિત પવારની સંપત્તિઓ પર કાર્યવાહી વિશે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ‘આયકર વિભાગે થોડા દિવસ પહેલાં અજિત પવાર સાથે જોડાયેલી કેટલી સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા. આ બધું સુનિયોજિત છે. આ એમવીએ (મહા વિકાસ અઘાડી)ના નેતાઓને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બધું પૂર્વ નિર્ધારિત છે. મહા વિકાસ અઘાડીના અગ્રણી નેતાઓને બદનામ કરવામાં આવી રહ્યા છે.’
તેમણે એ પણ સવાલ કર્યો કે, ‘શું ભાજપના નેતા જંગલમાં રહે છે? શું તેમણે તેમની સંપત્તિ કાયદેસર રીતે પ્રાપ્ત કરી છે?’ અજિત પવારની સંપત્તિઓ પર અગાઉ થયેલી કાર્યવાહી વિશે પણ તેમણે વાત કરી હતી.
રાઉતે એમ પણ કહ્યું કે અમે પણ તેમને આવી ઘણી સંપત્તિઓ વિશે જણાવ્યું છે પરંતુ તેના પર કોઈ કાર્યવાહી નથી થઈ. બાદમાં રાઉતે કહ્યું કે, ‘ભાજપે શરૂ કરેલું આ ગંદુ રાજકારણ આગળ જતા તેમની વિરુદ્ધ થઈ જશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter