અમદાવાદ, વારાણસીઃ પ્રચંડ જનાદેશથી બીજી વાર ચૂંટાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે માદરે વતન ગુજરાતની ધરતી ઉપર આવ્યા હતા. અહીં તેમણે અભિવાદન સભા સંબોધતાં જણાવ્યું હતું કે, વિજય સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. આ પાંચ વર્ષ વિશ્વના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં અભૂતપૂર્વક અને ઐતિહાસિક છે. ૧૯૪૨થી ૧૯૪૭ના પાંચ વર્ષ અંગ્રેજો સામે લડવાનું હતું એટલે, એમાં આઝાદી જંગ લડવાની ઊર્જા પૂરા પાડતાં હતાં. આવતા પાંચ વર્ષની સાધના એકલવ્ય જેવી છે. સામે કોઈ પડકારો ના હોય, ગુરુ ના હોય તેવા સંજોગોમાં ભારતે એકલવ્યની માફક ઊભરવાનું છે. વિશ્વમાં ભારતનું સ્થાન વૈશ્વિક પરિબળો વચ્ચે પ્રભાવિત કરવાનું રહેશે.
બધા પંડિતો ખોટા પડ્યા!
૨૦૧૯ની ચૂંટણીમાં બધા જ પંડિતો ખોટા પડયા છે. ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ પછી પત્રકારો હંમેશાં મને મોંમા આંગળા નાખીને કેટલી સીટ આવશે તેવું પૂછતા હતા, પણ હું મગનું નામ મરી પાડતો ન હતો. આ વખતે પહેલીવાર છઠ્ઠા ચરણ પછી મેં જાહેર કર્યું હતું કે, અમે ૩૦૦ પાર કરીશું ત્યારે અઠવાડિયું મારી મજાક ઉડાવાઈ, પણ એ બધા વોટ પ્રો-ઇન્કમ્બન્સી વોટ હતા, સંપૂર્ણપણે પોઝિટિવ વોટ હતા. આઝાદી બાદ પહેલી વાર આટલી જંગી સંખ્યામાં વોટિંગ થયું છે અને બધા જ રેકર્ડ તોડી નાખ્યાં છે. આના માટે વેવ શબ્દ પણ નાનો પડે એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
‘ગણિત નહીં, કેમિસ્ટ્રીનો વિજય’
ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી વડા પ્રધાન મોદી સોમવારે તેમનાં મતવિસ્તાર વારાણસી ગયા હતા. ૭ કિ.મી. લાંબા રોડ શોમાં મોદીનું ઠેર ઠેર ગુલાબનાં પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ ભગવાન કાશી વિશ્વનાથનાં દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા અને કાળભૈરવની પૂજા કરી હતી. કાશી હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઊઠયું હતું. મોદીએ પંડિત દીનદયાળ હસ્તકલા સંકુલમાં ભોજપુરી ભાષામાં ‘પ્રણામ બા’ કહીને ભાષણ શરૂ કર્યું હતું અને કાર્યકરોને જીતનું ગણિત સમજાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ભાજપની જીત ગુણાકાર અને ભાગાકાર તેમજ ગણિતથી અલગ કેમિસ્ટ્રી છે. ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની ચૂંટણીમાં રાજકીય ગણિત નહીં, પણ કેમિસ્ટ્રીનો વિજય થયો છે.
મોદીએ વિપક્ષોને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી અંકગણિતની નહીં પણ કેમિસ્ટ્રીની હતી. દેશની રાજનીતિમાં અમને અછૂત અને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા અને ચૂંટણીમાં ભાજપએ સૌથી વધુ હિંસાનો અનુભવ કર્યો હતો. આમ છતાં અમારો વોટ શેર વધ્યો છે. તેમણે કહ્યું કે કાશીની જીત માટે નિશ્ચિંત હતો તેથી કેદારનાથ જઈને બેઠો હતો.
મોદીએ કહ્યું કે, પરિણામો ગણિત છે પણ સમાજશક્તિની કેમિસ્ટ્રી, આદર્શો અને સંકલ્પોની કેમિસ્ટ્રી અંકગણિતને હરાવી શકે છે. પંડિતોએ સમજવું પડશે કે અટકળો સર્જનારાઓને પરિશ્રમ અને પારદર્શકતાથી હરાવી શકાય છે. આ બંનેનો કોઈ વિકલ્પ નથી. નીતિ અને તાલમેલ એ સંગઠન અને સરકારનાં મહત્ત્વનાં પરિબળ છે.
હવે શું?
• રામ મંદિર પર કોર્ટના ચુકાદાનો ઇન્તેજાર...ઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ પૂર્વ જજની મધ્યસ્થ સમિતિ ઓગસ્ટમાં તેમનો અહેવાલ રજૂ કરશે. ચુકાદો મંદિર નિર્માણની તરફેણમાં નહીં આવે તો સરકાર અધ્યાદેશ લાવી શકે છે. જો ચુકાદો તરફેણમાં આવ્યો તો સરકાર મંદિર નિર્માણમાં ઝડપ કરશે.
• કલમ-૩૭૦ની નાબૂદી મોટો પડકાર બનશે...ઃ પ્રચારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ જોરશોરથી જાહેર કરી ચૂક્યા છે કે, સરકાર બનતા જ કાશ્મીરને વિશેષાધિકારો આપતી કલમ-૩૭૦ હટાવી દેવાશે. આ સાથે સરકારે કાશ્મીરમાં પાક. નાગરિકોને રહેવાનો હક આપતી સિસ્ટમ વિરુદ્ધ કરેલી અરજી પર કોર્ટના ચુકાદાની રાહ છે.
• રૂ. પાંચ લાખ સુધી આવકવેરા મુક્તિની આશા...ઃ રૂપિયા પાંચ લાખ સુધીની આવક પર આવકવેરા-મુક્તિ આપતો મુસદ્દો સંસદમાં લવાશે. ચૂંટણી પૂર્વે વચગાળાના બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે, આ છૂટ પહેલી એપ્રિલથી લાગુ થશે.


