નવી દિલ્હીઃ વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૨૬ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામમાં ૧૮ લાખ લોકોને અસર પહોંચી છે. બિહારમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. પૂરનું પાણી ૬૦૦ ગામડાઓમાં ફરી વળ્યું છે આને કારણે ૧૮ લાખ લોકોને અસર પહોંચી છે. મેઘાલયમાં લગાતાર વરસાદને કારણે બે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉત્તર બંગાળમાં પણ લગાતાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા તથા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું. નેપાળમાં પૂરથી અત્યાર સુધી ૫૦નાં મોત થયાં છે. ૨૫ ઇજાગ્રસ્ત છે અને ૩૫ લોકો લાપતા છે.