આસામઃ 11 વર્ષ પહેલાં પાંચ ધારાસભ્યો હતા, આજે 82

Wednesday 06th May 2026 05:40 EDT
 
 

ગુવાહાટીઃ અનેક રાજકીય વિવાદો, વિરોધ પક્ષના હુમલાઓ અને આક્રમક પ્રચાર વચ્ચે ભાજપે આસામમાં વિજયની હેટ્રિક કરી છે. હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપે સતત બીજા કાર્યકાળ માટે સત્તા જીતી છે. ‘સરમા પરિબળ’ને એક મહત્વપૂર્ણ રાજકીય વાસ્તવિકતા તરીકે દર્શાવ્યું. પ્રથમ વખત બે-તૃતિયાંશ બહુમતી સાથે મળેલો આ વિજય 2023ના સીમાંકન કવાયતથી પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત હતો, જેણે રાજ્યના ચૂંટણી નકશામાં ધરમૂળથી ફેરફાર કર્યો. આજથી 11 વર્ષ પહેલાં રાજ્યમાં 11 ધારાસભ્યો હતો, જે આંકડો આજે 82 સુધી પહોંચ્યો છે.
સરમાએ પોતાના આક્રમક રાજકીય વલણથી ઘણા રાજકીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ગુવાહાટી સ્થિત વરિષ્ઠ પત્રકાર અનૂપ સરમાના મતે, ‘આ પ્રચંડ વિજય પાછળ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત અન્ય કારણો પણ છે. ચૂંટણી પહેલા, ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ પાર્ટી છોડી દીધી. કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બારડોલોઈ પણ ભાજપમાં જોડાયા હતા. તેનાથી સંદેશ ગયો કે કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.’ ઘૂસણખોરી અને આસામી ઓળખ અંગેના સરમાના નિવેદનોને ‘ખિલંજિયા (સ્વદેશી લોકો)ના અસ્તિત્વના બચાવ’ની રક્ષા તરીકે જોવાયા હતા.
આ 4 કારણોથી જીત્યો ભાજપ
• ઓરુનોદોઈ 3.0 યોજનાએ ચૂંટણી પહેલા 40 લાખ મહિલાઓના ખાતામાં 9,000 રૂપિયાની એક સાથે રકમ મોકલી.
• સ્વ-સહાય જૂથોમાં મહિલાઓ માટે ‘લખપતિ બાયડેઉ’ યોજના, એક લાખ સરકારી નોકરીઓના વચને ગ્રામીણ મતદારોને આકર્ષ્યા.
• બાંગ્લાદેશથી ઘૂસણખોરી સામે પાર્ટીએ સફળતાપૂર્વક ‘આસામી વંશીય જૂથ’ના રક્ષક તરીકે પોતાને સ્થાપિત કર્યા.
• કોંગ્રેસ પાસે સ્થાનિક સ્તરે મજબૂત ચહેરાનો અભાવ. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પ્રચારમાં પ્રયાસો કર્યા. પ્રિયંકાએ અનેક જાહેર સભાઓ યોજી અને મહિલા જૂથો સાથે વાતચીત કરી, પરંતુ આ બધું મતોમાં બદલાયું નહીં. ભાજપના મજબૂત ‘પન્ના પ્રમુખ’ (પેજ પ્રમુખ) માળખા સામે કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ દેખાઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter