આસામમાં લોકોએ એનઆરસીનો મુદ્દો કોરાણે મૂકી ફરી ભાજપને સત્તા સોંપી

Wednesday 05th May 2021 00:51 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં વર્ષ ૨૦૧૬માં સત્તા પર આવેલા ભાજપે સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે. આસામમાં એનઆરસીનો વિવાદાસ્પદ મુદ્દો હાવી હોવા છતાં મતદારોએ તેને નેવે ચડાવીને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને પુનઃ સત્તાના સૂત્રો સોંપી દીધાં છે. આસામની જનતા માટે એનઆરસી અને સીએએ સળગતા મુદ્દા હતા. મોટાભાગના આસામના મતદારો એનઆરસીનું સમર્થન કરી રહ્યાં છે પરંતુ સીએએ સામે તેમનો ઉગ્ર વિરોધ હતો. તેમનું માનવું છે કે સીએએનો અમલ એનઆરસીના મૂળ ઉદ્દેશ્યને જ મારી નાખશે.
એનઆરસીની અંતિમ યાદીમાં ૧૯ લાખ નાગરિકોના નામ બાકાત થતાં મતદારોમાં એનઆરસી પ્રત્યે પણ રોષ પ્રવર્તી રહ્યો હતો. સીએએના કારણે આસામીઓને ભય હતો કે તેમની આસામી તરીકેની સાંસ્કૃતિક ઓળખ છીનવાઇ જશે.
આસામમાં એપ્રિલ ૨૦૧૬માં બેરોજગારીનો દર ૦.૭ ટકા હતો જે એપ્રિલ ૨૦૨૦માં વધીને ૧૧.૧ ટકા અને ડિસેમ્બર ૨૦૨૦માં દર ૭.૬ ટકા હતો. બેરોજગારીના આટલા ઊંચા દર છતાં ભાજપની સોનોવાલ સરકારને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડયો નથી.

ગોગોઇ જેલમાંથી ચૂંટણી જીત્યા
સીએએના કટ્ટર વિરોધ માટે ડિસેમ્બર ૨૦૧૯થી જેલમાં રખાયેલા રાઇજોર દલના અધ્યક્ષ અખિલ ગોગોઇનો સિબસાગર વિધાનસભા બેઠક પરથી વિજય થયો છે. અખિલ ગોગોઇએ ભાજપના સુરભી રાજકોંવારીને પરાજિત કર્યા હતા. ગોગોઇએ જેલમાંથી જ ઉમેદવારી કરી હતી અને કોઇ પ્રચાર કર્યો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter