ઇંડિયન એરફોર્સમાં રફાલનું આગમન

Thursday 30th July 2020 06:11 EDT
 
 

નવી દિલ્હી: અત્યાધુનિક ટેક્નોલોજી અને ઘાતક શસ્ત્રોથી સજ્જ રફાલ ફાઇટર જેટની પહેલી બેચના આગમન સાથે જ ભારતીય સંરક્ષણ દળોની તાકાતમાં પ્રચંડ વધારો થયો છે. આપના હાથમાં ‘ગુજરાત સમાચાર’ની આ નકલ પહોંચશે ત્યાં સુધીમાં ફ્રાન્સ નિર્મિત આ ફાઇટર જેટ ઇંડિયન એરફોર્સમાં સામેલ થઇ ગયા હશે. પાંચ વિમાનની પહેલી બેચ સોમવારે ફ્રાન્સના મેરિનેઝ એરબેઝ પરથી રવાના થઇ હતી, જે સોમવારે રાત્રે અબુધાબીમાં રોકાણ કર્યા બાદ બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશને પહોંચશે.
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમયથી તણાવ પ્રવર્તી રહ્યો છે ત્યારે રફાલ ફાઇટર જેટનું ભારત આગમન ઘણું સૂચક છે. ભારતે ફ્રાન્સ પાસેથી કુલ ૩૬ રફાલ ફાઈટર જેટ ખરીદ્યા છે અને કરાર પ્રમાણે ભારતને દર વર્ષે ૧૨ વિમાનો મળવાના છે.
ઇંડિયન એરફોર્સના પાઇલટ્સ પાંચ ફાઇટર જેટ લઇને ભારત આવવા રવાના થયા ત્યારે ફ્રાન્સ ખાતેના ભારતીય રાજદૂત જાવેદ અશર્રફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે રફાલ એરફોર્સ અને ભારતની સૈન્ય શક્તિને મજબૂત કરશે.

ફ્રાન્સથી ભારત સુધીનું ૭૦૦૦ કિલોમીટરનું અંતર એક જ ખેપમાં કાપવાને બદલે આ ફાઇટર જેટ યુએઈના અલ-ધ્રાફા એરબેઝ ખાતે ઉતર્યા હતા ત્યાંથી બુધવારે ભારત પહોંચશે. સામાન્ય રીતે ફાઈટર વિમાનો એરફોર્સમાં સામેલ થયા પછી તેને ઓપરેશનલ ક્લિયરન્સ મળતા ૬ મહિના લાગી જતા હોય છે. મતલબ કે છ મહિના બાદ આ વિમાનો ખરા અર્થમાં યુદ્ધમેદાનમાં ઉતરી શકે તેવી સ્થિતિમાં આવતા હોય છે. ત્યાં સુધી તેના પર વિવિધ પરીક્ષણો અને તાલીમ ચાલે છે. જોકે ચીન સરહદે પ્રવર્તમાન સંજોગો જોતાં આ વિમાનોને એકાદ પખવાડિયામાં જ ઓપરેશનલ ક્લિયરન્સ આપી દેવાશે. એ પછી વિમાનો ગમે ત્યારે ફાઈટર જેટના રોલ માટે ઉડાન ભરી શકશે.

અણુશસ્ત્ર વહન કરવા સક્ષમ

અનેક પ્રકારના આધુનિક શસ્ત્રોથી સજ્જ થઈ શકતા રફાલ પરમાણુ મિસાઈલ-બોમ્બ વહન કરવા પણ સક્ષમ છે. ફ્રાન્સથી રવાના થયા પછી આ વિમાનોને હવામાં જ ફ્રાન્સિસી વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા એર-ટુ-એર રિફ્યુલિંગની સગવડ અપાઇ હતી. સામાન્ય રીતે ફાઈટર વિમાનોએ આટલું લાંબું અંતર કાપવાનું હોતું નથી. પરંતુ આ વિમાનો સાત હજાર કિલોમીટરની લાંબી સફર કરી રહ્યા હોવાથી તેમને હવામાં જ બળતણની જરૂર પડી હતી. સાઉદી અરબના આકાશમાં જ આ વિમાનોને રિ-ફ્યુલ કરાયા હતા. ભારતે સિંગલ અને ડબલ સિટર એમ બે પ્રકારના રફાલ ખરીદ્યા છે. ભારતને જે પાંચ રફાલ મળ્યા એ પણ સિંગલ-ડબલ સિટર મિક્સ છે. પાંચેય સરખા નથી.
ભારતીય વાયુસેનાના કુલ ૧૨ પાઈલટ્સે ફ્રાન્સમાં તાલીમ લીધી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા કરાર પ્રમાણે ફ્રાન્સ કુલ ૩૬ પાઈલટોને તાલીમ આપશે. પાઈલટ ઉપરાંત ગ્રાઉન્ડ તેમજ અન્ય ટેકનિકલ સ્ટાફ પણ ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહ ફ્રાન્સ ગયા ત્યારે ત્યાં જ પ્રથમ વિમાનની ડિલિવરી ભારતને મળી હતી. હવે એ વિમાનો ભારત આવી રહ્યાં છે.

ખતરનાક હેમર મિસાઇલથી સજ્જ

રફાલ પર હેમર મિસાઇલ ફિટ કરવાનું નક્કી કરાયું છે. હેમર મિસાઇલોથી સજ્જ રફાલ યુદ્ધવિમાનોને વિના વિલંબે ઓપરેશનલ બનાવાશે. તેના ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ અને પાઇલટ્સની ટીમ દોઢ વર્ષથી ફ્રાન્સમાં ટ્રેનિંગ લઇ રહી છે.

૪૧ બાદ અંબાલામાં ફાઇટરનું આગમન

અંબાલા એરબેઝમાં ૪૧ વર્ષ, ૨ દિવસ પછી કોઈ યુદ્ધ વિમાનનું આગમન થઈ રહ્યું છે. આ પહેલા ૨૭ જુલાઈ ૧૯૭૯ના રોજ જગુઆર યુદ્ધ વિમાન આવ્યા હતા. રફાલનો બીજો બેઝ બંગાળના હાશિમારામાં હશે. તેનાથી ચીન સાથેની સંપૂર્ણ સરહદ કવર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter