નવી દિલ્હીઃ આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે સાથે કમનસીબે ઘણા મહાન વ્યક્તિઓના યોગદાનને મિટાવવાનું કામ પણ કરાયું હતું. અગાઉ જે ભૂલો થઇ છે તેને આજે દેશ સુધારી રહ્યો છે અને દેશને આમ કરતાં કોઇ નહીં અટકાવી શકે. આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. રાજધાનીમાં આગવી ઓળખસમાન ઇંડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝના હોલોગ્રામ સ્ટેચ્યુનું અનાવરણ કરતાં તેમણે આ શબ્દો કહ્યા હતા. ૨૩મી જાન્યુઆરીએ નેતાજીની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે આ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ વડા પ્રધાન શીંઝો આબેને નેતાજી એવોર્ડથી નવાજ્યા હતા. આ એવોર્ડ શીંઝો આબે વતી જાપાનના કોલકતા સ્થિત કોન્સલ જનરલે સ્વીકાર્યો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
આ સાથે જ દેશના ૭૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પણ આરંભ થયો છે, જેનું સમાપન ૨૯ જાન્યુઆરીએ સશસ્ત્ર દળોની સૂરિલી ધૂન સાથે યોજાતી બિટીંગ ધ રિટ્રીટ સેરેમની સાથે થશે. જોકે સાત દિવસની આ ઉજવણીના કેન્દ્રમાં હશે રાજપથ પર યોજાનારી રિપબ્લિક ડે પરેડ. ૨૬ જાન્યુઆરીએ રાજપથ પર ભારતની આન-બાન-શાનને રજૂ કરતી ભવ્યાતિભવ્ય પરેડ યોજાશે. જેમાં ભારતની લશ્કરી શક્તિથી માંડીને ભવ્ય ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ થશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત માતાના વીર સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીએ સમગ્ર દેશ વતી તેમને કોટિ કોટિ નમન કરું છું. આ ઐતિહાસિક દિવસ છે, જે સ્થળે આપણે એકઠા થયા તે પણ ઐતિહાસિક છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને કહ્યું હતું કે હું આઝાદીની ભીખ નહીં લઉ પણ હું આઝાદી પ્રાપ્ત કરીને જ રહીશ. દેશને ભૂતકાળની ભૂલોને સુધારતા કોઇ નહીં રોકી શકે આમ કહીને વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
વિચારો અને બલિદાન પ્રેરણાદાયીઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પતા લખ્યું હતુંઃ ભારતને મુક્ત કરાવવા માટે તેમણે આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરવાનું હિંમતભર્યું પગલું ભર્યું હતું. તેમના વિચારો અને બલિદાન દરેક ભારતીયને સદૈવ પ્રેરણા આપતા રહેશે.
ગૃહપ્રધાન અમિત શાહે નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ટ્વિટ કર્યું હતું કે માતૃભૂમિ માટે અપ્રતિમ સંઘર્ષ કરનાર નેતાજી હંમેશા લોકોને યાદ રહેશે. તેમણે પોતાની અસાધારણ દેશભક્તિ, અદમ્ય સાહસ અને અદ્ભુત વાણીથી યુવાનોને સંગઠિત કરીને વિદેશી શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. માતૃભૂમિ માટે તેમનું અપ્રતિમ બલિદાન, મક્કમતા અને સંઘર્ષ હંમેશાં દેશને માર્ગદર્શન આપશે. તેમની જન્મજંયતીએ સ્વાતંત્ર્ય સેનાની નેતાજીને મારા શત શત વંદન.
ગાંધીજીને ગમતી પ્રાર્થનાનો વિવાદ
આ વર્ષે ૨૯મી જાન્યુઆરીએ યોજાનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં રજૂ થતી ધૂનની યાદીમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મનપસંદ ખ્રિસ્તી પ્રાર્થના ‘અબાઈડ વીથ મી’ને હટાવી દેવાઇ છે. તેના સ્થાને હવે ‘એ મેરે વતન કે લોગો...’ ગીતની ધૂન રજૂ થશે.
વર્ષ ૧૮૪૭માં સ્કોટિશ કવિ એન્ગ્લિકન દ્વારા લિખિત અને હિમ્નોલોજિસ્ટ (સ્તોત્રશાસ્ત્રી) હેન્રી ફ્રેન્કક લાઈટે બનાવેલી આ ધૂન ૧૯૫૦થી દર વર્ષે પ્રજાસત્તાક સમારંભના અંતે બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં બેન્ડ દ્વારા રજૂ થતી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૨૦માં પણ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં આ ધૂનને પડતી મૂકી હતી, પરંતુ ભારે હોબાળો સર્જાતાં ગયા વર્ષે તેનો ફરી સમાવેશ કરાયો હતો. આ વર્ષે શનિવારે ભારતીય સૈન્યે જાહેર કરેલા બ્રોશરમાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં વગાડવામાં આવનારી ૨૬ ધૂનોની યાદી જાહેર કરી છે, જેમાં ગાંધીજીને ગમતી પ્રાર્થના ‘અબાઈડ વીથ મી’ને સ્થાન અપાયું નથી. બ્રોશર મુજબ ‘અબાઈડ વીથ મી’ની જગ્યાએ હવે કવિ પ્રદીપ દ્વારા લિખિત અને લતા મંગેશકરે ગાયેલા ગીત ‘એ મેરે વતન કે લોગો...’ વગાડવામાં આવશે.
ઐતિહાસિક દિવસ અને સ્થળ
વડા પ્રધાન મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની પૂર્ણ કદની ૨૮ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેતાજીની પ્રતિમા જે સ્થળે સ્થાપિત કરાઇ છે તે ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળે અગાઉ બ્રિટિશ શાસક જ્યોર્જ પંચમની પ્રતિમા હતી, જેને સ્વતંત્રતા ચળવળ દરમિયાન હટાવી લેવાઇ હતી. આ સ્થળે આગામી દિવસોમાં ૨૮ ફૂટ ઊંચી ગ્રેનાઇટ પ્રતિમા સ્થપાશે.


