નવી દિલ્હીઃ દિલ્હીમાં ૩૦મીએ કડક સુરક્ષા ધરાવતા ઈઝરાયેલ દૂતાવાસ નજીક આઇઇડી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર-પાંચ કારના કાચ તૂટયા હતા. એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. વિસ્ફોટ ખૂબ જ નાનો હતો, પરંતુ દિલ્હીના ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં થયો હોવાથી દેશની તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે લીધી છે. દિલ્હી પોલીસ - સ્પેશ્યલ સેલના અધિકારીઓએ ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે.
અહેવાલો પ્રમાણે, આ હુમલા પછી કેન્દ્રીય તપાસ એજન્સીઓને એક શંકાસ્પદ ચેનલ થકી ટેલિગ્રામ ચેટ મળી છે. તેમાં ‘જૈશ ઉલ હિન્દ’ નામના સંગઠને કહ્યું કે, આ તો હજુ શરૂઆતી ટ્રેલર છે. આ ઘટનાની તપાસમાં દિલ્હી પોલીસ સાથે એનઆઈએ-એનએસજી ટીમ પણ સામેલ થઈ છે. દૂતાવાસ નજીકથી આ ટીમોએ વિવિધ પુરાવા પણ ભેગા કર્યાં છે. ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂત રોન મલકાએ કહ્યું હતું કે તેમને આતંકી હુમલાની શંકા હતી એટલે એ માટે તેઓ માનસિક રીતે તૈયાર હતા. તેમણે કહ્યું હતું કે અમે દૂતાવાસમાં છેલ્લાં થોડા સપ્તાહથી જ સતર્કતા વધારી હતી.
વિસ્ફોટકો અંગે તપાસ
વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકો અંગે જાણવા એનએસજી ટીમ કામ કરી રહી છે. હવે ટૂંક સમયમાં એનઆઈએ પણ આ ઘટનામાં પ્રાથમિક ગુનો દાખલ કરી શકે છે. બીજી તરફ, ઈઝરાયેલે આ ઘટનાને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે. આ તપાસ માટે તેઓ પોતાની ટીમ પણ મોકલી રહ્યા છે. આ નિર્ણય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માયર બેન શબ્બાત સાથે વાતચીત પછી કર્યો છે.
અનેક સીસીટીવી નકામા
દિલ્હી પોલીસે જણાવ્યાનુસાર, બોમ્બ પ્લાન્ટ કરનારાને પકડવા માટે દૂતાવાસની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાઈ રહી છે, પરંતુ જ્યાં વિસ્ફોટ સ્થળની આસપાસના મોટા ભાગના સીસીટીવી કેમેરા કામ નહોતા કરતા. જોકે, પોલીસને એક ફૂટેજમાં શંકાસ્પદ કાર જોવા મળી છે.
બોમ્બ પર લખેલું ‘ઈઝરાયલ એમ્બેસી’
આ કેસની તપાસ શરૂ થતાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે વિદેશી નાગરિકોની નોંધણી કરતી સંસ્થા પાસે ઈરાનના તમામ નાગરિકોની માહિતી માગી છે. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે, વિસ્ફોટોમાં આઈઈડીનો ઉપયોગ કરાયો હતો. ઓછી તીવ્રતા ધરાવતા બોમ્બ બનાવવા કેનનો ઉપયોગ કરાયો છે. તેના પર ‘ઈઝરાયેલ એમ્બેસી’ લખ્યું હતું.


