નવી દિલ્હીઃ ઇટાલીના વડા પ્રધાન પાઓલો જેન્ટીલોની સોમવારે ભારત પહોંચ્યા હતા. ૧૦ વર્ષ પછી ઇટાલીના કોઈ વડા પ્રધાન ભારતના પ્રવાસે આવ્યા છે. અગાઉ ૨૦૦૭માં ઇટાલીના તત્કાલીન વડા પ્રધાન રોમાનો પ્રોડી ભારત આવ્યા હતા. જેન્ટીલોનીએ હૈદરાબાદ હાઉસમાં મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશોએ ૬ મહત્ત્વની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાવ્યું કે મેં જેન્ટીલોની સાથે આતંકવાદ, સાઇબર અપરાધ, વેપાર વધારવા વગેરે મુદ્દાની ચર્ચા કરી હતી. ૨૦૧૮માં બન્ને દેશો પોતાના રાજકીય સંબંધોની ૭૦મી વર્ષગાંઠ મનાવશે.
ભારત-ઇટાલી વચ્ચે ૬ કરાર
• બન્ને દેશોએ રેલવેની સુરક્ષા અંગે સમજૂતી કરી.
• ઊર્જા ક્ષેત્રમાં સહયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર.
• ટ્રેડ એજન્સી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે પરસ્પર સહયોગ અંગે એમઓયુ પર હસ્તાક્ષર.
• ઇટાલીના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયની ટ્રેનિંગ એકમ અને ભારતની વિદેશ સેવા સંસ્થા વચ્ચે સમજૂતી.
• સાંસ્કૃતિક સહયોગ પર કાર્યકારી પ્રોટોકોલ પર પણ પરસ્પર સહમતી.
• ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને ઇટાલીના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલય વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર.