ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં બાપુ અને ચરખો

Wednesday 07th December 2016 06:48 EST
 
 

ન્યૂ યોર્કઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સ્થાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાને બદલી નાખનારી ૧૦૦ તસવીરોની યાદીમાં આ તસવીરનો સમાવેશ કર્યો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઇટે ઝડપી હતી. આ તસવીરમાં ચશ્માં પહેરેલા ગાંધીજી જમીન ઉપર બેઠેલા અને કંઈક વાંચી રહેલા જણાય છે, જ્યારે તેમની આગળના ભાગે ખાદી કાંતવાનો ચરખો જોવા મળે છે.
ખરેખર તો આ તસવીર ભારતીય નેતાઓને સંબંધિત એક સમાચાર માટે લેવામાં આવી હતી, પરંતુ ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા થયા બાદ આ તસવીરનો ઉપયોગ તેમને આપવામાં આવેલી અનેક શ્રદ્ધાંજલિઓમાં કરવામાં આવ્યો હતો.
‘ટાઇમ’ મેગેઝિને આ તસવીર સાથે પ્રકાશિત કરેલી નોંધમાં જણાવ્યું હતું કે બહુ ટૂંક સમયમાં જ આ તસવીર ક્યારેય નષ્ટ ન થનારી છબી બની ગઈ હતી, જેમાં સવિનય કાનૂનભંગના પ્રણેતા પોતાના સૌથી શક્તિશાળી ‘શસ્ત્ર’ સાથે જોવા મળી રહ્યા છે. તેમાં એમ પણ જણાવાયું હતું કે આ તસવીરને કારણે ભારતની બહાર ગાંધીજીની છબી શાંતિદૂત તરીકે સ્થાપિત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ તસવીર ખેંચવામાં આવી ત્યારે ગાંધીજીના સચિવ પ્યારેલાલે એવી શરત મૂકી હતી કે ફોટોગ્રાફર માર્ગારેટ ચરખો ચલાવવાનું શીખશે તો જ તેને ગાંધીજીની તસવીર લેવા દેવામાં આવશે. માર્ગારેટે ઉત્સાહભેર આ શરત સ્વીકારી હતી, અને તેઓ ખુદ ચરખો કાંતતા શીખ્યા હતા.
‘ટાઇમ’ મેગેઝિને ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં ૧૮૨૦થી માંડીને ૨૦૧૫ સુધીના સમયગાળામાં વિવિધ ફોટોગ્રાફર્સ દ્વારા ઝડપવામાં આવેલી તસવીરોનો સમાવેશ કર્યો છે. ‘ટાઇમ’ મેગેઝિનના જણાવ્યા અનુસાર આ તસવીરો લોકોનાં માનસમાં હંમેશને માટે સ્થાન જમાવી ચૂકી છે.
આ તસવીરોમાં સમુદ્ર તટ ઉપર પડેલા માસુમ અલાન કુર્દીનાં શબનો પણ સમાવેશ થયો છે. આ શરણાર્થી માસુમ તેના પરિવાર સાથે અન્ય દેશમાં સ્થળાંતર કરી રહ્યો હતો ત્યારે અધવચ્ચે જ કાળ તેને ભરખી ગયો હતો. હૈયું હચમચાવી નાખતી આ તસવીરથી દુનિયાભરમાં શરણાર્થીઓની દારુણ સ્થિતિ વિશે ચર્ચાનો જુવાળ ઉઠ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter