નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ વણસતા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ડીજીસીએએ જારી કરેલા સરક્યુલર અનુસાર સરકારે આંતરરાષ્ટ્રીય શિડયુલ્ડ ફ્લાઈટ પરનો પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે.
અલબત્ત, એરબબલ અંતર્ગત ઉડાન ભરતી વંદે ભારત મિશન અને અન્ય ફ્લાઈટ રાબેતા મુજબ રહેશે. ઉલ્લેખનીય છે કે ૧૮ મહિના પછી પણ આ પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ કાર્ગો ફ્લાઇટ પર લાગુ થતો નથી. સ્થિતિ પ્રમાણે પસંદગીના રૂટ પર ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઈટને પરવાનગી અપાઈ છે.
૨૫ જેટલા દેશો સાથે એરબબલ કરાર
બે દેશ વચ્ચે કરાયેલા એરબબલ કરાર અંતર્ગત બંને દેશ વચ્ચે તેમની નેશનલ એરલાઇન્સ દ્વારા સંચાલિત સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટને પરવાનગી અપાય છે. ભારતે ૨૫ જેટલા દેશો સાથે એરબબલ કરાર કરેલા છે. જેમાં વંદે બારત મિશન અંતરગ્ત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરે છે.
જેમાં અમેરિકા, બ્રિટન, યુએઈ, માલદિવ્સ, નેધરલેન્ડ, ફ્રાન્સ, જર્મની, કતાર અને ભુતાન સહિતના દેશોનો સમાવેશ થાય છે.