ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં દર 10માંથી 7 રોકાણકારોને નુકસાન

‘સેબી’નું ચોકાવનારું તારણઃ

Monday 05th August 2024 09:01 EDT
 
 

મુંબઇઃ દેશનાં શેરબજારમાં તેજીના આખલાએ ભલે દોટ મૂકી હોય પરંતુ કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70 ટકાથી વધુ રોકાણકારો નુકસાનમાં છે. ‘સેબી’ના એક અભ્યાસ પ્રમાણે દર 10માંથી 7 શેર ટ્રેડર નુકસાન ભોગવી રહ્યો છે. ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં રોકાણકારોની ભાગીદારી અને તેમના પ્રોફિટ-લોસના ટ્રેન્ડનું વિશ્લેષણ કરીને ‘સેબી’એ કરેલા અભ્યાસના અહેવાલ પ્રમાણે વર્ષ 2022-23માં ઈન્ટ્રા-ડે ટ્રેડ કરનારા રોકાણકારોની સંખ્યા 2018-19 કરતાં 300 ટકાથી વધુ વધી છે. આ દરમિયાન 30 વર્ષના ઓછી વયના ઇન્ટ્રા-ડે ટ્રેડર્સની ભાગીદારી 48 ટકા સુધી પહોંચી છે, જે પહેલાં 18 ટકા જ હતી.
અભ્યાસ અનુસાર, ભલે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં લોકોની ભાગીદારી વધી રહી હોય પરંતુ, આવા રોકાણથી થનારું નુકસાન પણ એટલી જ ટકાવારીમાં વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ નવા રોકાણકારોને ટ્રેડિંગની ઝીણી ઝીણી માહિતી ન હોવાનો અને તકનિકી કૌશલ્યની ખામી હોઈ શકે છે. અહેવાલમાં આને નવા ટ્રેડરો માટે એક મોટો પડકાર ગણાવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter