હૈદ્રાબાદઃ ભારતીય હવાઈદળ દ્વારા સૌ પ્રથમવાર ઔપચારિક રીતે મહિલા પાઈલટ તરીકેનું કમિશનિંગ મેળવવામાં દેશની અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંઘને સફળતા મળી છે. સંરક્ષણ ક્ષેત્રે સ્ત્રી-પુરુષ ભેદનો છેદ ઊડાવી દેવાની હિમાયત કરતા દેશની એરફોર્સ એકેડમી ખાતેના સંયુક્ત સ્નાતક સમારોહમાં સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું હતું કે, યુદ્ધ મોરચાની દૃષ્ટિએ પણ મહિલાઓને સૌ પ્રથમવાર આવી જવાબદારી મળતી હોવાને પગલે આ એક સીમાસ્તંભ બની ગયો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર સંરક્ષણ મોરચે પણ સ્ત્રી-પુરુષ સમાનતા જોવા મળશે એવી આશા સેવતાં તેમણે કહ્યું હતું કે આ દૃષ્ટિએ આજનો દિવસ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે કેટલીક ટેકનિકલ અને વહીવટી ખામીઓ નડે છે, તેથી તબક્કાવાર આપણે એ જોવા પ્રયાસ કરીશું કે આપણે કેટલી સ્ત્રી-પુરુષ સમાનતા સંરક્ષણ ક્ષેત્રે લાવી શકીએ છીએ. આપણા માળખાને ધ્યાનમાં લેતાં કેટલીક મહિલાઓને આપણે સેનામાં સમાવી શકીએ છીએ એ આપણે જોવાનું રહે છે. ફ્લાઈટ કેડેટ દ્વારા તેમને આપવામાં આવેલી કમિશનિંગ પૂર્વેની તાલીમને સફળતાપૂર્વક પૂરી કરનારી આ ત્રણ મહિલાઓએ પોતે ફાઈટર પાઈલટ બન્યાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેઓ ખુદને નસીબદાર માને છે અને પોતાની ફરજ બજાવવા માટે અધીરા બની રહ્યાં છે. આ ત્રણેય મહિલાઓ કર્ણાટક બિદર ખાતે એક વર્ષ માટે ત્રીજા તબક્કાની તાલીમ માટે જશે. ત્યાં સુપરસોનિક યુદ્ધવિમાનો ચલાવવા પૂર્વે તેઓ હોક એડવાન્સ જેટ ટ્રેનર પર તાલીમ મેળવશે.