નવી દિલ્હીઃ ભારતીય નેવીની ૬ મહિલા અધિકારીઓની ટીમ રવિવારે સમુદ્રની પરિક્રમા માટે રવાના થઈ છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પણજીમાં ટીમને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મહિલા અધિકારીઓની સાથે ફોટો ટ્વીટ કરીને આજનો ‘મહત્ત્વનો દિવસ’ હોવાનું કહીને શુભકામનાઓ આપી હતી.
જહાજ આઈએનએસવી તારિણીમાં આ ટીમ સમુદ્રો પાર કરીને છ મહિના પછી ભારત પરત આવશે. આ દુનિયાનું પ્રથમ જહાજ છે જેની તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ જ છે. પરિક્રમા ૫ તબક્કામાં સમાપ્ત થશે.
વડા પ્રધાને રવિવારે લખ્યું હતું કે ‘આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. નેવીની છ મહિલા અધિકારીઓ આઈએનએસવી તારિણી દ્વારા દુનિયાની પરિક્રમા માટે નીકળી છે. દેશવાસીઓ નરેન્દ્ર મોદી એપ દ્વારા તેમને શુભકામનાઓ આપીને તેમનું મનોબળ વધારી શકે છે. આ યાદગાર સફર માટે સમગ્ર દેશ આ મહિલાઓની સાથે છે.’
આ ટીમે ગોવાના પોર્ટથી સફર શરૂ કરી છે. સફરમાં ટીમ રાશન અને જહાજની મરામત માટે ચાર પોર્ટ ફ્રેમન્ટલ (ઓસ્ટ્રેલિયા, લિટલલેન (ન્યુઝિલેન્ડ), પોર્ટ સ્ટેનલે (ફોક્સલેન્ડ) અને કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) પર અટકશે. માર્ચ, ૨૦૧૮માં તે પાછા આવશે.
વાઈસ એડમિરલ એ કે ચાવલાએ કહ્યું હતું, ‘સમુદ્રી સફર માટે તમામ મહિલા ઓફિસર્સ સંપૂર્ણ તાલીમબદ્ધ છે. તેઓ રેકોર્ડ પણ નોંધાવશે.