નવી દિલ્હી: દેશવિદેશમાં વસતાં ભારતીયો દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવા માટે તડામાર તૈયારી ચાલુ રહી છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો દેશની પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.
સુબિયાંતો આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ ભારત પ્રવાસે આવશે. ભારતના એક મહત્ત્વપૂર્ણ રણનીતિક ભાગીદાર તરીકે ઈન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી ઇન્ડોનેશિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ સુબિયાંતો ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે પણ હાજરી આપશે.