ઇસરોની ઐતિહાસિક ઉડાનઃ એક સાથે ૨૦ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મુકાયા

Thursday 23rd June 2016 05:11 EDT
 
 

ચેન્નાઈઃ ૨૨મી જૂનનો દિવસ દેશનાં અંતરિક્ષ સંશોધનમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઇસરો દ્વારા એક સાથે ૨૦ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકીને ઈસરોએ અંતરિક્ષમાં ઊંચી ઊડાન ભરી છે. આજે તેણે ૧૭ વિદેશી અને ૩ દેશના ઉપગ્રોહને અંતરિક્ષમાં છોડીને નવી કીર્તિ સ્થાપી છે. એકજ રોકેટથી એ સાથે ૨૦ ઉપગ્રહોને અવકાશી ભ્રમણકક્ષામાં તરત મૂકવાની આ પહેલી ઘટના છે.

૧૭ વિદેશી અને ૩ દેશી ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મુકાયા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઈસરો દ્વારા એક સાથે ૨૦ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકીને ઈસરોને અંતરિક્ષમાં ઊંચી ઉડાન ભરી છે. અગાઉ ૨૩ મે ૨૦૧૬ના રોજ ઈસરોએ પહેલી વાર સ્વદેશી પણ ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવું પ્રક્ષેપણ યાન અંતરિક્ષમાં સફળતાપૂર્વક છોડીને ઇતિહાસ રચ્યો હતો. ૨૨મીએ ૧૭ વિદેશી અને ૩ દેશના ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડીને નવો ઇતિહાસ સ્થાપિત કર્યો છે. એક જ રોકેટથી એક સાથે ૨૦ ઉપગ્રહોને અવકાશી ભ્રમણકક્ષામાં તરતા મૂકવાની આ પહેલી ઘટના છે. પીએસએલવીએ અંતરિક્ષમાં ૩૬મી વખત ઉડાન ભરીને આ ઉપગ્રહોને તરતા મૂક્યા હતા.

આ અગાઉ ઈસરોએ ૨૦૦૮માં એક મિશન દ્વારા એક સાથે ૧૦ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા હતા. આજે ૨૦ ઉપગ્રહોને તરતા મૂકીને પોતાનો જ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇસરોએ અવકાશમાં પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ પીએસએલવી દ્વારા અવકાશમાં તરતા મૂકેલા ૨૦ ઉપગ્રોહનું કુલ વજન ૧૨૮૮ કિલોગ્રામ છે.

સવારે ૯.૨૬ કલાકે ૩૨૦ ટન વચનના પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી સી૩૪) દ્વારા ૨૦ ઉપગ્રહોને એક સાથે લઈને સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી અવકાશમાં તરતા મુકાયા હતા. ૯.૪૪ કલાકે કોર્ટેસેટ-૨ ને ભ્રમણકક્ષામાં મુકાયા પછી ૧૭ મિનિટ બાદ તેણે એક પછી એક ક૨૦ ઉપગ્રહોને તેની જુદી જુદી ભ્રમણકક્ષામાં મૂકયા હતા. ઉપગ્રહો એકબીજા સાથે અથડાય નહીં તે માટે તેમની વચ્ચે યોગ્ય અંતર જાળવવામાં આવ્યું હતું.

ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના બે ઉપગ્રહ

ભારતની બે શિક્ષણ સંસ્થાઓના બે ઉપગ્રહોને ઇસરોએ અવકાશમાં છોડ્યા છે. એમાં એક ચેન્નઈની સત્યભામા ડિમ્ડ યુનિવર્સિટીનો ઉપગ્રહ છે. જ સત્યભામા સેટઓ તરીકે ઓળખાય છે તેનું વજન ફક્ત ૧.૫ કિલો છે. આ ઉપગ્રહ ગ્રીન હાઉસ ગેસના આંકડાઓ એકઠા કરશે. પુણેની એન્જિનિયરિંગ કોલેજ દ્વારા તેનો ઉપગ્રહ સ્વયં અંતરિક્ષમાં છોડાયો છે. જેનું વજન ફક્ત ૧ કિલો જ છે. તે હેમ રેડિયો ધરાવતાં લોકોને સંદેશાઓ મોકલશે. આ દેશમાં બનેલો સૌથી ઓછા વજનનો બીજો ઉપગ્રહ છે તેનું આયુષ્ય એક વર્ષનું છે.

૧૦ કરોડ ડોલરની કમાણી

વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવામાં ઇસરોએ અત્યાર સુધીમાં ૧૦૦ ટકા સફળતા મેળવી છે. અન્ય સ્પેસ એજન્સીઓની સરખામણીમાં તે આ કામ માટે ફક્ત ૬૦ ટકા જ ફી લે છે. અત્યાર સુધીમાં ઇસરોએ ૨૦ દેશોના ૫૭ ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા હતા. આ આંકડો હવે ૭૪ સુધી પહોંચી ગયો છે. વિદેશી ઉપગ્રહો છોડીને ઇસરોએ અત્યાર સુધીમાં ૧૦ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી છે.

વિદેશી સેટેલાઇટ

ઇસરોએ અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકવાની કામગીરીનું વ્યવસાયીકરણ કર્યું છે અને અન્ય દેશોના ઉપગ્રહો અવકાશમાં છોડીને તે કમાણી કરતું થયું છે. જે દેશોના ઉપગ્રહો અવકાશમાં છોડયા છે તેમાં ભારતના ઉપગ્રહ ઉપરાંત અમેરિકા, કેનેડા, જર્મની, ઇન્ડોનેશિયાના સેટેલાઈટનો સમાવેશ થાય છે. યુએસના ૧૩ ઉપગ્રહો છે. આ ઉપગ્રહોમાં ૮૫થી ૧૩૦ કિલોના ૪ માઇક્રો ઉપગ્રહ અને ૧થી ૩૦ કિલોના ૧૫ નેનો ઉપગ્રહ છે.

અંતરિક્ષમાં ભારતની સિદ્ધિઓ

વર્ષ ૧૯૬૩માં ભારતે તેનું પહેલું રોકેટ અવકાશમાં છોડ્યું હતું અને ૧૯૭૫માં પહેલો ભારતીય ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો. એપ્રિલ ૨૦૧૬ સુધીમાં ભારતે ૮૩ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા છે. ચંદ્ર પર પાણીની સંભાવના ચકાસવા માટે વર્ષ ૨૦૦૯માં ભારતે પહેલું માનવરહિત યાન મોકલ્યું હતું. ૨૦૧૪માં અમેરિકાની સરખામણીમાં ૧૧ ટકા ઓછા ખર્ચે એટલે કે ૭૪૦ લાખ ડોલરમાં મિશન મંગળ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ મિશનમાં ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું હતું. એપ્રિલ ૨૦૧૬માં આઇઆરઇએનએસએસ - ૭મો ઉપગ્રહ છોડીને ભારતે વિશ્વમાં તેમજ સેટેલાઇટ ક્ષેત્રે પોતાની જીપીએસ કામગીરી સ્થાપિત કરી હતી.

અન્ય રેકોર્ડ

નાસાએ ૨૦૧૩માં મિનોટોર ૧ રોકેટમાં એક સાથે ૨૯ ઉપગ્રહોને અવકાશમાં છોડીને ઇસરોનો રેકોર્ડ તોડ્યો હતો. આ પછી ૨૦૧૪માં રશિયાએ ડીએનઇપીઆર રોકેટ દ્વારા અવકાશમાં એક સાથે ૩૩ ઉપગ્રહ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter