નવી દિલ્હીઃ કોરોના મહામારીના પ્રારંભ પછી પહેલી વાર ભારત ભારતીય ઓલ વેધર અર્થ ઇમેજિંગ સેટેલાઇટ (EOS-૦૧) અને નવ વિદેશી સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. ઇસરોએ ૩૮૯ વિદેશી ઉપગ્રહો સ્થાપિત કરીને વિશ્વભરમાં કાઠું કાઢ્યું છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા હતા. ઇસરોનું આ વર્ષનું પ્રથમ લોન્ચિંગ સાહસ સફળ રહ્યું છે. ઇસરોએ ૭મી નવેમ્બરે ભારતીય ઓલ વેધર અર્થ ઇમેજિંગ સેટેલાઇટ (EOS-૦૧) અને નવ વિદેશી સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. EOS-૦૧ સેટેલાઇટ દેશમાં કૃષિ, વનીકરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ માટે કામ કરશે. ૫૧મી ફ્લાઇટમાં એક ભારતીય અને નવ વિદેશી ઉપગ્રહોને લઇને શનિવારે સાંજે આ સેટેલાઈટ ઊપડયું હતું અને સફળતાપૂર્વક પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. તેણે પહેલાં ભારતીય ઉપગ્રહ EOS-૦૧ને પૃથ્વીના નીચી ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કર્યો હતો.
EOS-૦૧નું કાર્યક્ષેત્ર
EOS-૦૧ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. તેનું સિન્થેટિક અપાર્ચર રડાર વાદળોની આરપાર જોઈ શકશે. તે દિવસ-રાત ફોટો લઇ શકશે. તેને પરિણામે અવકાશમાંથી દેશની સરહદે નજર રાખી શકાશે. આ ઉપરાંત તે કૃષિ, વનીકરણ, માટીમાં ભેજનું પ્રમાણ માપવામાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ માટે કામ કરશે.
કુલ ૩૨૮ વિદેશી સેટેલાઇટ્સ
આ સફળ ઓપરેશન સાથે ઇસરો મારફત વિદેશી સેટેલાઇટ્સને અવકાશમાં મોકલવાનો આંકડો ૩૨૮ પર પહોંચી ગયો છે. ઇસરોએ પોતાની વેબસાઇટ, યૂટયૂબ ચેનલ, ફેસબૂક તથા ટ્વિટર પેજ પર સમગ્ર ઓપરેશનનું લાઇવ પ્રસારણ કર્યું હતું. વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે જણાવ્યું હતું કે PSLV-C૪૯ પછી ડિસેમ્બરમાં PSLV-C૫૦ લોંચ કરવાની યોજના છે.