ઇસ્લામિક સ્ટેટના નિશાને શ્રી શ્રી રવિશંકરઃ

Tuesday 31st March 2015 14:07 EDT
 

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે. શ્રી શ્રી રવિશંકરના યોગ કાર્યક્રમોને વિદેશોમાં મળી રહેલા સારા પ્રતિસાદથી આઈએસ નારાજ હોય તેમ લાગે છે. બેંગ્લોર ખાતે આર્ટ ઓફ લિવિંગના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે ત્રણ વ્યક્તિઓના સરનામા પર ત્રણ જુદાજુદા પત્રો આવ્યા છે. જેમાં મલેશિયાના એક શિક્ષક તેમ જ મલેશિયાની એક હોટલ શામેલ છે. આ હોટેલમાં શ્રી શ્રી રવિશંકર સામાન્ય રીતે રોકાતા હોય છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે જો શ્રી શ્રી રવિશંકર મલેશિયા કે પછી કોઈ પણ ઈસ્લામિક દેશમાં પગ મુકશે તો તેમના તમામ કેન્દ્રોનો સફાયો કરીશું અને હજારો લોકો તેમના કારણે જીવ ગુમાવશે. એક દુષ્ટ (શ્રી શ્રી રવિશંકર) જે પોતાને કોઈ ધર્મ સાથે જોડાયા વગરની વ્યક્તિ કહે છે તે ઈરાક-ઈરાનમાં મુસ્લિમોનું ધર્મ પરિવર્તન કરીને તેમને હિન્દુ બનાવી રહ્યો છે. આ પત્ર મજાક નથી, અમે આ બાબતે ગંભીર છીએ.

જમ્મુ-કાશ્મીરમાં ફરીથી વિનાશક પૂર: જમ્મુ-કાશ્મીરમાં સાત મહિનામાં બીજીવાર વિનાશક પૂરથી જનજીવનને ગંભીર અસર પહોંચી છે. ગત શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જેલમ નદી અનેક સ્થળે ભયનજક સપાટીની ઉપર વહેવા લાગી હતી. બડગામ જિલ્લામાં ચાર મકાનો ધ્વસ્ત થતા ચાર મહિલા સહિત છ વ્યક્તિનાં મોત થયા છે અને અન્ય ૧૦ લોકો કાટમાળ નીચે દટાયા હતા. રાજ્ય સરકારે બચાવ-રાહત કામગીરી માટે સેનાની મદદ માગી છે. કેન્દ્ર સરકારે પણ તાત્કાલિક રૂ. ૨૦૦ કરોડની સહાય જાહેર કરી છે.

રાહુલ ગાંધી ૧૯ એપ્રિલે ખેડૂત સભાને સંબોધશેઃ એક મહિનાથી વધુ સમયથી કથિત રીતે ‘ગુમ’ થયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૯ એપ્રિલે એનડીએ સરકારની જમીન સંપાદન બિલ સામે કોંગ્રેસની ખેડૂત રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને પક્ષના અન્ય ટોચના નેતાઓ પણ તેમાં હાજર રહેશે.

અમૃતસર સરહદે બે પાક. ઘૂસણખોરો ઠારઃ ભારતીય જવાનોએ પાકિસ્તાન તરફથી ધુસણખોરીનો પ્રયાસ કરનાર બે શખસને ગત સપ્તાહે ઠાર માર્યા હતા. તેમની પાસેથી અંદાજે રૂ. ૬૦ કરોડનું હેરોઇન પણ પકડ્યું હતું. આ ઘટનાના એક દિવસ અગાઉ પણ આવી જ રીતે એક ખેપીયાએ હેરોઇન સાથે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતાં એને પણ બીએસએફના જવાનોએ ઠાર માર્યો હતો અને હેરોઇન પણ કબ્જે કરી હતી.

મોદી ફ્રાન્સ, જર્મની, કેનેડા જશેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રને વેગ આપવા અને નવી રોજગારીની તકોનું સર્જન કરવા માટે તેઓ ૯થી ૧૬ એપ્રિલ સુધી ફ્રાન્સ, જર્મની અને કેનેડાની મુલાકાતે જશે.

હેમરાજ શાહ મુંબઈમાં ગુજરાતીઓના એમ્બેસેડરઃ મુંબઇમાં સામાજિક, રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર હેમરાજ શાહના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે હેમરાજ શાહને મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષિકોના બ્રાન્ડ એમ્બેસડર અને ગુજરાતી-મહારાષ્ટ્રીય પ્રજા વચ્ચે એકતાના પ્રતીક ગણાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter