ઈન્ડિગો કરતાં પાનની દુકાન સારીઃ પ્રમોટર રાકેશ ગંગવાલ

Thursday 11th July 2019 07:03 EDT
 
 

નવી દિલ્હી: દેશની સૌથી સફળ અને નફાકારક એર લાઇન્સ ઇન્ડિગોના બે પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેના મતભેદે ચરમસીમા વટાવી છે. પ્રમોટર રાકેશ ગંગવાલે સહપ્રમોટર રાહુલ ભાટિયા પર ગંભીર ગરબડના આક્ષેપ કર્યાં છે. ૯મીએ તેમણે કહ્યું કે, ઈન્ડિગો કરતાં તો પાનની દુકાન સારી, જ્યાં સારી રીતે સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આ વિવાદની અસર બીજા દિવસે ૧૦મીએ કંપનીના શેર પર પણ જોવા મળી હતી. ઇન્ટર ગ્લોબનો શેર ૧૦ ટકાના ઘટાડા સાથે ૧૪૦૯ પર ખૂલ્યો હતો અને થોડી વારમાં ૧૭.૫૫ ટકા સુધી ઘટીને ૧૨૯૧ પર આવી ગયો હતો. રાકેશ ગંગવાલે સેબીને ફરિયાદ કરીને ભાટિયા અને તેમની કંપની પર શંકાસ્પદ આપ-લે થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રમોટરોના ઝઘડાનું કારણ એ જણાય છે કે ગંગવાલ ઝડપી ગ્રોથ ઇચ્છે છે અને ભાટિયા થોભો અને રાહ જુઓમાં માને છે

ઇન્ડિગો દેશની જ નહીં વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી એર લાઇન છે. તેની પાછળનો મુખ્ય ફોર્સ અમેરિકી એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલા રાકેશ ગંગવાલ મનાય છે. ગંગવાલને કારણે જ ઇન્ડિગોએ વિક્રમી સંખ્યામાં વિમાનનો ઓર્ડર આપ્યો છે અને ભારતમાં આક્રમકતાથી કામ વધારી રહી છે. ગંગવાલ અમેરિકી નાગરિક છે અને પડદાની પાછળ રહી કામ કરે છે જ્યારે રાહુલ ભાટિયા ભારતમાં એરલાઇન્સના ગ્રોથ અને રૂટિન કામ જુએ છે. ઇન્ડિગોની કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનમાં રાહુલ ભાટિયાનો ૩૮ ટકા હિસ્સો છે જ્યારે રાકેશ ગંગવાલ ૩૭ ટકા હિસ્સો ધરાવે છે. આ બન્ને ૨૦૦૬માં આ કંપની સ્થાપી હતી અને ૨૦૧૩માં તેનો આઇપીઓ આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter