મુંબઈ: દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા લગ્ન બાદ રૂ. ૪૫૨ કરોડના આલિશાન બંગલામાં રહેશે. મુંબઈના વર્લીમાં આવેલા ૫૦ હજાર સ્કવેર ફૂટના આ બંગલાનું નામ ‘ઓલ્ડ ગુલીટા’ છે. બંગલામાં ત્રણ બેઝમેન્ટ છે. પહેલા બેઝમેન્ટ પર બગીચો, ઓપન એર સ્વિમિંગ પૂલ અને થોડા રૂમ બનાવાયા છે જ્યારે બીજા અને ત્રીજા બેઝમેન્ટ પાર્કિંગ અને સર્વિસ માટે ઉપયોગમાં લેવાશે.
ઉપરના ફ્લોર્સ પર લિવિંગ, ડાઇનિંગ હોલ તથા મલ્ટિપર્પઝ રૂમ, લોન્જ એરિયા અને ડ્રેસિંગ રૂમ બનાવાયા છે. ઇશા અહીં તેના પતિ આનંદ પિરામલ સાથે રહેશે. આનંદના પિતા અજય પિરામલે ૬ વર્ષ અગાઉ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ પાસેથી રૂ. ૪૫૨ કરોડમાં આ બંગલો ખરીદ્યો હતો. ઇશા-આનંદ ૧૨ ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. ત્યાર બાદ બન્ને વર્લી સી ફેસ સ્થિત પાંચ માળના આ બંગલામાં રહેશે. હાલમાં આ બંગાલાનું રિનોવેશન શરૂ કરાયું છે. આનંદના માતા-પિતા અજય પિરામલ અને સ્વાતિ પિરામલે આ બંગલો પુત્ર અને ભાવિ પુત્રવધૂને ગિફ્ટ તરીકે આપ્યો છે.