નવીદિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અવકાશ કેન્દ્રેથી દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ ‘કલામસેટ’ને ૨૫મીએ અવકાશમાં તરતો મૂક્યો હતો. પીએસએલવી રોકેટ દ્વારા રાતના બારની આસપાસ આ સેટેલાઇટ અવકાશમાં છોડાયો હતો. આ સેટેલાઇટની ખાસ વાત એ છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તેને બનાવ્યો છે.
ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક અને ચંદ્રયાન-૧ પ્રોજેક્ટના ડિરેક્ટર મેલસ્વામી અન્નાદુરાઈએ કહ્યું કે કલામસેટ અવકાશના વાતાવરણમાં થોડા સમય પૂરતો જ ટકશે પરંતુ તે કામ સારું કરશે. ઈસરોના ચેરમેન સિવાને કહ્યું હતું કે, છેલ્લા તબક્કામાં છોડવામાં આવનાર સેટેલાઇટ ૬ મહિના સુધી જીવંત રહેશે અને તેઓ તેનો ઉપયોગ કરતા રહેશે. સ્પેસ કિડ્સ ઈન્ડિયાના ફાઉન્ડર સીઈઓ કેસને જણાવ્યું કે આ નેનો સેટેલાઇટ બનાવવામાં રૂ. ૧૨ લાખનો ખર્ચ થયો છે.


