શ્રીહરિકોટાઃ ઈસરોએ ૨૯મી માર્ચે જીએસએલવી-એફ૦૮ રોકેટ દ્વારા કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૬એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ માટે ભારતમાં જ તૈયાર થયેલું ક્રાયોજેનિક એન્જિન વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) વપરાયું હતું. માટે લોન્ચિંગ સાથે ભારતમાં બનેલા એડવાન્સ એન્જિનનું પણ પરીક્ષણ સફળ રહ્યું હતું. શ્રીહરિકોટાના બીજા નંબરના લોન્ચિંગ પેડ પરથી સાંજે ૪:૪૬ કલાકે રવાના થયેલા રોકેટ ૧૭.૪૬ મિનિટ પછી ૨૧૪૦ કિલોગ્રામના રોકેટને ૩૬ હજાર ફીટ ઊંચી કક્ષામાં ગોઠવી દીધો હતો.
આગામી ઓક્ટોબરમાં ચંદ્રયાન-૨ લોન્ચ કરવાનું છે. એ વખતે ‘જિઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (જીએસએલવી)-એમકે-થ્રી’માં સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન વાપરવાનું છે. જેથી આ સફળતા પર ભારતના ચંદ્રયાન-૨ તથા ભાવિ મંગળ મિશનનો આધાર હતો. ઈસરોની આ સફળતા પછી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા હતા. ઈસરોના નવા ચેરમેન કે. સિવાને સત્તા સંભાળ્યા પછી આ પ્રથમ લોન્ચિંગ હતું.