બેંગલૂરુ / નવી દિલ્હી: ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) દ્વારા શનિવારની ઢળતી સાંજે તેનાં પહેલા સોલાર મિશન આદિત્ય એલ-1ને લાગ્રાન્જ પોઈન્ટ સુધી પહોંચાડીને નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે જ ઈસરોની અનેરી સિદ્ધિઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. 126 દિવસની અવકાશી સફર પછી આદિત્ય એલ-1 પૃથ્વીથી 15 લાખ કિમી દૂર લાગ્રાન્જ પોઈન્ટ ખાતે સ્થિર થયું છે. લાગ્રાન્જ પોઈન્ટમાં હેલો ઓર્બિટ ખાતે ગોઠવાયા પછી આદિત્ય એલ-1 પાંચ વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરીને તેનાં ગૂઢ રહસ્યો ઉકેલશે. ભારતનું પહેલું સોલાર મિશન બીજી સપ્ટેમ્બર 2023નાં રોજ શરૂ થયું હતું જેની યાત્રા હવે આદિત્ય એલ-1 લાગ્રાન્જ પોઈન્ટ પહોંચવા સાથે પૂરી થઈ છે.
ભારતનું આ રૂ. 400 કરોડનું સોલાર મિશન ભારત સહિત આખી દુનિયાનાં ઉપગ્રહોને સૌર તોફાનોથી બચાવશે. આદિત્ય એલ-1ની અવકાશી સફર શરૂ કર્યાના પાંચ મહિના પછી 6 જાન્યુઆરીનાં રોજ સાંજે તેનાં નિર્ધારિત સ્થળે પહોંચી ગયું હતું. લાગ્રાન્જ પોઈન્ટ ખાતે ચારે તરફ સોલર હેલો ઓર્બિટ વચ્ચે તેને ગોઠવવામાં આવ્યું છે. હેલો ઓર્બિટમાં ગોઠવવા માટે સેટેલાઈટ આદિત્ય એલ-1ને થસ્ટર્સ ઓન કરીને ધક્કો મારવામાં આવ્યો હતો. આવા 12 થ્રસ્ટર્સ તેમાં ગોઠવવામાં આવ્યા છે જેનો વખતોવખત ઉપયોગ કરાશે.
‘નાસા’ દ્વારા છોડવામાં આવેલા સૂરજનો અભ્યાસ કરવા માટેનાં સેટેલાઈટ ગ્રૂપમાં હવે ભારતનું આદિત્ય એલ-1 પણ જોડાયું છે. વડાપ્રધાન મોદીએ ઈસરોની આ અનેરી સિદ્ધિ માટે વૈજ્ઞાનિકો તેમજ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતે વધુ એક લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે. સૂર્યનો અભ્યાસ કરનાર ભારતનું સ્પેસક્રાફ્ટ એલ-1 તેનાં ડેસ્ટિનેશન પર પહોંચી ગયું છે, જે સૌથી વધુ જટિલ અને પેચીદા અંતરિક્ષ અભિયાનોને સાકાર કરવા માટે આપણા વૈજ્ઞાનિકોનાં અથાક પરિશ્રમનું પ્રમાણ છે.
રૂ. 400 કરોડનો પ્રોજેક્ટ દેશનાં
રૂ. 50,000 કરોડ બચાવશે
આદિત્ય એલ-1 મિશનના પ્રોજેક્ટ ડિરેકટર નિગાર શાઝીએ કહ્યું હતું કે આ મિશન સૂર્યનો અભ્યાસ કરવાની સાથે સૌર તોફાનોની માહિતી મેળવીને જાણકારી આપશે. આમ રૂ. 400 કરોડનો પ્રોજેક્ટ દેશનાં રૂ. 50,000 કરોડ બચાવશે. ભારતનાં અનેક ઉપગ્રહોને સૌર તોફાનોની અસરથી બચાવી શકાશે.
આદિત્ય L-1 શું કરશે?
• મિશનમાં આદિત્ય એલ-1 સૂર્યનાં વાતાવરણનો ઊંડાઈથી અભ્યાસ કરશે. • સૂર્યનાં બહારની સપાટી અને તેમાં ગરમી તેમજ તાપમાન કેટલું છે તેનો અભ્યાસ કરાશે. • VELC કોરોનાગ્રાફ એ એવું ટેલિસ્કોપ છે જે રોજ 1440 તસવીરો મોકલશે. • સોલર અલ્ટ્રા વાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ સૂર્યનાં ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયરની તસવીરો લેશે. • SOLEXS અને HEL10S જે સૂર્યનાં એક્સ રે નો અભ્યાસ કરશે. • ASPEX અને પ્લાઝમા એનાલાઈઝર (PAPA) જે સૌર હવાનો સ્ટડી કરીને તેની ઊર્જાનો અભ્યાસ કરશે. • મેગ્નોમીટર કે જે એલ-1ની આસપાસ ચુંબકીય ક્ષેત્રનો તાગ મેળવશે.


