ઉ. પ્રદેશ - બિહારમાં વીજળી પડતાં કુલ ૯૫નાં મૃત્યુ

Thursday 23rd June 2016 05:48 EDT
 
 

નવી દિલ્હી: દેશમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયા પછી છેલ્લા બે દિવસથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત વરસાદની સાથે વીજળી પડવાની ઘટનાઓમાં કુલ ૯૫ વ્યક્તિઓના મોત થયા હતા અને ૬૦ જેટલા દાઝી ગયા હતા. બિહારમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદમાં વીજળી પડતા ૨૨મી જૂન અને ૨૩મી જૂન સુધીમાં ૫૭ જણાનાં મોત થયાં હતાં અને ૨૪ને ઇજા થઈ હતી. વીજળીનો ભોગ બનનારા પટણા, બકલર, નાલંદા, ભોજપુર, રોહતક વગેરે વિસ્તારોના રહેવાસી હતા. બિહારમાં ૧૩ પશુઓના પણ મોત થયાં હતાં. બિહારના મોટા ભાગના વિસ્તારોમાં ૨૨મીએ વરસાદ ચાલુ હતો. પટણામાં ૨૧.૨ મી.મી., ગયામાં ૬૨.૮ મી.મી., ભાગલપુર અને પૂર્નિયામાં ૮૨ મી.મી. અને ૯૭.૨ મી.મી. વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં વીજળી પડતાં ૧૨નાં મોત થયા હતા અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. મધ્ય પ્રદેશમાં વીજળી પડવાની ઘટનામાં કુલ ૧૬ જણાએ જીવ ગુમાવ્યો હતો. ઝારખંડના કુંડા જિલ્લામાં વીજળી પડતાં એક જ પરિવારના બે બાળકો સહિત ૪નાં મોત થયા હતા અને અન્યત્ર વીજળી પડતાં બીજા છનાં મોત થતાં કુલ ૧૦નો ભોગ લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter