ઉ. પ્રદેશના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેનું ભાજપમાંથી રાજીનામું

Friday 07th December 2018 05:39 EST
 
 

લખનૌઃ ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફૂલેએ છઠ્ઠીએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ફૂલેએ રાજીનામું આપતી વખતે જણાવ્યું છે કે ભાજપ વિભાજનકારી રાજકારણ રમી રહ્યો છે અને મંદિરો તથા પ્રતિમાઓ બાંધવા પાછળ નાણાનો દુરુપયોગ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના બહરાઇચના દલિત સાંસદે ડો. આંબેડકરની પુણ્યતિથિએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે પણ હું મારા કાર્યકાળ સુધી લોકસભાના સાંસદ તરીકે ચાલુ રહીશ.

તેમણે વધુમાં જણાવ્યું છે કે 'દેશ કે ચોકીદાર કી પહેરેદારી મેં, સંસાધનો કી ચોરી કરાઇ જા રહી હે'. ભાજપની ટીકા કરતા તેમણે જણાવ્યું છે કે વડા પ્રધાને આપેલા વચન પ્રમાણે લોકોને રૂ. ૧૫ લાખ મળ્યા નથી અને બીજી તરફ મંદિરો અને પ્રતિમાઓના નિર્માણ પાછળ નાણાનો દુરુપયોગ થઇ રહ્યો છે.

૩૭ વર્ષીય સાંસદે જણાવ્યું છે કે ભાજપ હિંદુ-મુસ્લિમ અને ભારત-પાકિસ્તાન જેવા મુદ્દા ઉઠાવી નફરત ફેલાવી રહ્યો છે અને દેશના નાણાં લઇને ભાગી ગયેલા અપરાધીઓને પરત લાવવા કંઇ પણ કરી રહી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter