ઉજ્જૈનથી સમગ્ર વિશ્વનો સમય નક્કી થશેઃ પ્લાન તૈયાર કરાશે

Saturday 06th January 2024 08:12 EST
 
 

ભોપાલઃ મધ્ય પ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી મોહન યાદવે દાવો કર્યો છે કે સમગ્ર વિશ્વનો સમય મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી નક્કી થશે. વૈશ્વિક સમય માટે મહત્વપૂર્ણ ગણાતા પ્રાઈમ મેરિડિયનને ઉજ્જૈન શિફ્ટ કરવામાં આવશે. આ માટે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર પ્રયત્નશીલ હોવાની મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે. પ્રાઈમ મેરિડિયન એક કાલ્પનિક રેખા છે, જેનો ઉપયોગ સમય માટે વૈશ્વિક સંદર્ભમાં થાય છે. મોહન યાદવે દાવો કર્યો હતો કે અમારી સરકાર એ સાબિત કરશે કે ઉજ્જૈન એક વૈશ્વિક પ્રાઈમ મેરિડિયન છે. અમે વિશ્વના સમયને ઠીક કરીશું. ઉજ્જૈનનો એક સમય હતો કે જે સમગ્ર વિશ્વનો સમય નક્કી કરતો હતો. જોકે પેરિસે સમય નક્કી કરવાનું શરૂ કરી દીધું અને બાદમાં અંગ્રેજોએ તે પદ્ધતિ અપનાવી લીધી હતી.
હાલમાં બ્રિટનના ગ્રીનવિચથી વૈશ્વિક સમય નક્કી થાય છે. જેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિફ્ટ કરવામાં આવશે તેવો દાવો તેમણે કર્યો હતો. સાથે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 300 વર્ષ પહેલા ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ વિશ્વએ અપનાવ્યો હતો. બાદમાં પેરિસે ટાઈમ સેટ કર્યો અને તેનો સ્વીકાર કરાયો.
હિન્દુ એસ્ટ્રોનોમિકલ માન્યતા મુજબ ઉજજૈન એક સમયે ભારતનુ સેન્ટ્રલ મેરિડિયન હતું. જોકે ઉજ્જૈનથી વિશ્વનો સમય કઇ રીતે નક્કી થશે અને તેને કેન્દ્ર કઈ રીતે બનાવવામાં આવશે તે અંગે મધ્ય પ્રદેશ સરકાર યોજના તૈયાર કરી રહી છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો છે કે સમય નક્કી કરવા માટેનું એક પૌરાણિક યંત્ર હાલ પણ ઉજ્જૈનમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter