ઉત્તર પ્રદેશ સહિતનાં ચાર રાજ્યોમાં બીજેપી બળવાન

Friday 10th March 2017 01:18 EST
 
 

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીના જુદાં જુદાં એક્ઝિટ પોલ્સના આંકડા બહાર પડી ગયા છે અને એ પાંચ પૈકીનાં ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાશે અથવા ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે એવો અંદેશો રાજકીય એક્સપર્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે. ૪૦૩ જેટલી સૌથી વધુ બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની બહુમતી સરકાર રચાશે તેવા એંધાણ છે. આ પ્રદેશમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવે એવું અનુમાન છે. ઉત્તરાખંડના મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતી મળતી હોય એવું ચિત્ર અત્યારે ઊપસ્યું છે. પંજાબમાં કેટલાક એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસની તો કેટલાકમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાવાનો દાવો કરાયો છે. ગોવામાં ત્રિશંકુ વિધાનસભા રચાવાનો અંદેશો છે. જોકે ભાજપ ગોવામાં સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવી શકે છે. મણિપુરના એક એક્ઝિટ પોલમાં ભાજપની જીતની તો બીજા એક્ઝિટ પોલમાં કોંગ્રેસના વિજયની આગાહી કરવામાં આવી છે.

 

વોટર્સ પરના એક્ઝિટ પોલના તારણ અનુસાર ભાજપને ગોવા તથા મણિપુરમાં સત્તા મળી રહી છે, જ્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસ સાથે એની રસાકસી થઈ રહી છે. અહીં એકાદી બેઠકની હાર-જીત કોઈ પણ પક્ષ માટે સરકાર રચવાના ગણિત પર પાણા ફેરવી શકે છે. પંજાબમાં શિરોમણિ અકાલી દલ અને ભાજપની યુતિને માત્ર નવ બેઠકો મળવાની શક્યતા છે. અહીં બધાને આંચકો આપીને આપ સરકાર રચી શકે છે. આમ આદમીને પંજાબમાં ૧૧૭માંથી ૬૩, જ્યારે કોંગીને ૪૫ બેઠકો મળવાનું અનુમાન છે.

એક એક્ઝિટ પોલના તારણ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપ ૧૯૦થી ૨૧૦ બેઠકો જીતીને બહુમતી સરકારની રચના કરી શકે છે. સત્તાધારી સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ યુતિને ૧૧૦થી ૧૩૦ બેઠકો મળવાનું અનુમાન છે. બહુજન સમાજ પાર્ટીને માત્ર ૬૭થી ૭૪ બેઠકો મળી શકે છે. વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ, અવધ, રુહેલખંડ, બુંદેલખંડ અને ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશના મોટા ભાગના હિસ્સાઓમાં ભાજપની બેઠકો વધતી જોવા મળી રહી છે. અન્ય એક સર્વેક્ષણ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપને અનુક્રમે ૧૮૫ અને ૧૬૪થી ૧૭૬ બેઠકો મળી શકે છે.

આસામ મારફત ઈશાન ભારતીય રાજ્યમાં પહેલી સરકાર રચી ચૂકેલી ભાજપને મણિપુરમાં પણ સફળતા મળી શકે છે. એક એક્ઝિટ પોલના તારણ અનુસાર અહીં ભાજપને કુલ ૬૦માંથી ૨૮થી વધારે બેઠકો મળી શકે છે જ્યારે સત્તાધારી કોંગ્રેસને ૨૦ બેઠકો મેળવીને સંતોષ માનવો પડશે.

ગોવામાં ફરી એક વાર ભાજપને સત્તા મળી શકે છે. વિવિધ એક્ઝિટ પોલના તારણ અનુસાર અહીં ભાજપને કુલ ૪૦માંથી ૧૮ બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને ફાળે ૧૫ બેઠકો જઈ શકે છે. આપને માત્ર બે, પણ અન્યોને પાંચ બેઠકો મળી શકે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter