નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના છ પૂર્વ મુખ્ય પ્રધાનોએ સરકારી બંગલા ખાલી કરવા પડશે. ઉત્તર પ્રદેશના કોઈ પૂર્વ મુખ્ય પ્રધાનોને મફત સરકારી બંગલા કાયમી નિવાસ તરીકે મળશે નહીં તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. કોર્ટે સોમવારે એનજીઓ લોકપ્રહરીની અરજી પર ચુકાદો આપતાં પૂર્વ મુખ્ય પ્રધાનને અપાતા બંગલા ગેરકાયદે ગણાવ્યા હતા. કોર્ટના ચુકાદા પછી હવે ઉત્તર પ્રદેશના જે પૂર્વ મુખ્ય પ્રધાનોએ તેમને આપવામાં આવેલા બંગલા પર કાયમી કબજો જમાવ્યો છે તેમણે આ સરકારી બંગલા ખાલી કરવા પડશે.
મુખ્ય પ્રધાનોને આજીવન સરકારી બંગલાની સુવિધા આપતો કાયદો સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટે કહ્યું કે પદ છોડ્યા બાદ મુખ્ય પ્રધાન અને સામાન્ય વ્યક્તિમાં કોઈ તફાવત રહેતો નથી. એવામાં તેમને વિશેષ બંગલાની સુવિધા શા માટે મળવી જોઈએ? પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારી, મુલાયમસિંહ, કલ્યાણસિંહ, રાજનાથ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સરકારી બંગલા મળ્યા છે.
જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આર. ભાનુમતિની બેન્ચે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની સરકારનો કાયદો મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે. સરકારી બંગલા જાહેર સંપત્તિ છે. તે ફક્ત પ્રજા માટે કામ કરનારા લોકો માટે છે.
કોર્ટે કહ્યું કે પ્રાકૃતિક સંસાધન અને સરકારી આવાસ વગેરે જાહેર સંપત્તિ છે. જે દેશના લોકોની છે. તેનું વિતરણ અને ફાળવણી પર સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે છે. ફક્ત મહત્ત્વપૂર્ણ પદે કામ કરવાના કારણે કોઈને સરકારી આવાસ આપવાની વાત ખોટી છે. આ પ્રયાસ બંધારણીય પવિત્રતા વિરુદ્ધ છે.
ચુકાદાની અસર અન્ય રાજ્યોમાં પણ પડશે
માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર પૂર્વ રાષ્ટ્રપતિઓ, પૂર્વ વડા પ્રધાનો અને અન્ય રાજ્યો દ્વારા ફાળવવામાં આવેલા સરકારી બંગલાઓના સંદર્ભમાં પણ પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, અગાઉ વ્યક્તિએ ધરાવેલા હોદ્દાને આધારે તેમને આવી સરકારી સુવિધાઓ આપી શકાય નહીં.